કરમસદની શ્રી ક્રિશ્રા હોસ્પિટલ અને પ્રમુખસ્વામી મેડિકલ કોલેજનું સંચાલન સંભાળનારી સંસ્થા ચારુતર આરોગ્ય મંડળના નવા ચૂંટાયેલા ચેરમેન શ્રી અતુલભાઈ પટેલ લંડનની મુલાકાતે આવ્યા છે. તેમણે તાજેતરમાં જ ચેરમેન તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તેઓ ડો. અમૃતા પટેલના સ્થાને ચેરમેન તરીકે ચૂંટાયા હતા.
૧૯૫૦માં વડોદરામાં જન્મેલા અતુલ પટેલ ટેક્સટાઈલ એન્જિનિયર છે. તેઓ એક સમર્થ ઉદ્યોગપતિ છે. તેમણે દ્રઢ સંકલ્પ અને સખત પરીશ્રમ દ્વારા વિકાસ, પ્રગતિ અને સમૃદ્ધિ તરફ આગળ વધવાની તેમના પિતા અને ટ્રાન્સપેક ઈન્ડસ્ટ્રી લિમિટેડના ચેરમેન સ્વ. હરિભાઈ એફ પટેલની ફિલસુફી જીવનમાં આત્મસાત કરીને પ્રગતિ સાધી છે. હાલ તેઓ ઓઈલ ફિલ્ડ કેમિકલ્સ અને અન્ય સ્પેશિયાલિટી કેમિકલ્સનું ઉત્પાદન કરી રહેલી તારક કેમિકલ્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર છે. ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનની પ્રવૃત્તિઓમાં સંકળાયેલા રહેવા ઉપરાંત તેઓ ચેરિટેબલ અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે પણ ગાઢ રીતે સક્રિય છે. તેઓ યુનાઈટેડ વે બરોડા, બરોડા સિટીઝન કાઉન્સિલ અને શ્રમ મંદિર ટ્રસ્ટ, વડોદરાના ટ્રસ્ટી પણ છે.
યુકેની મુલાકાત દરમિયાન તેઓ ૧૧મી જૂને સાંજે હેરોમાં આયોજિત બેઠકમાં ચરોતરના અગ્રણી નાગરિકોને મળશે અને હોસ્પિટલ દ્વારા કરાયેલી પ્રગતિની માહિતી આપશે અને હોસ્પિટલને મદદરૂપ થવા અનુરોધ કરશે. તે ઉપરાંત તેઓ ‘ચરોતર પાટીદારો’ વિશેના આગામી પુસ્તક અંગે વાતચીત કરશે.
વધુ વિગત માટે સંપર્ક. જીતુભાઈ 07508 696 583; પ્રિયેશ પટેલ 07944 837 147

