પૂજ્ય રામબાપાની ૯૯મી જન્મજયંતીએ નવ કલાકની અખંડ રામધૂન

- કોકિલા પટેલ Wednesday 05th June 2019 06:56 EDT
 
 

દેશવિદેશમાં ઇષ્ટદેવોની મૂર્તિઓની વિના મૂલ્યે ભેટ તેમજ મંદિર નિર્માણ કાર્યમાં યથાશક્તિ દાન, કુંભમેળાઓમાં સાધુ સંતોની અનેકવિધ સેવાઓ કરવી સાથે સાથે યુ.કે.ની ધરતી પર દર રવિવારે શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાનો અખંડયજ્ઞ ચાલુ રાખનાર પૂ. રામબાપાએ બીજી જૂન રવિવારે ૯૯ વર્ષ પૂરાં કર્યાં એ નિમિત્તે શ્રી જિજ્ઞાસુ સત્સંગ મંડળ તરફથી ક્રિકલવુડ ખાતે સિંધી મંદિરમાં નવ કલાકની અખંડ રામધૂન રાખવામાં આવી હતી. આ શુભ અવસરે પૂ રામબાપાને જન્મદિનની શુભેચ્છા પાઠવવા સામાજિક તેમજ ધાર્મિક ક્ષેત્રના અગ્રણીઓ સહિત ૧૦૦૦થી વધુ હિન્દુધર્મપ્રેમીઓ ઉમટ્યા હતા. સવારે નવ વાગ્યાથી સાંજના ૬ સુધી અવિરત માનવ પ્રવાહનો આતિથ્ય સત્કાર અને ત્રણ ત્રણ વખતના મહાપ્રસાદ અને ફળાહાર માટે ભારતીબેન કંટારીઆના દીકરા આનંદભાઇ તથા ઇશાનીએ તેમજ સમગ્ર ભીમજીયાણી પરિવારના દીકરા-દીકરીઓએ ભારે જહેમત ઊઠાવીને સુંદર વ્યવસ્થા ગોઠવી હતી.

ગયા સપ્તાહે વેમ્બલીના શ્રી સનાતન મંદિર દ્વારા "જ્ઞાન ગુણસાગર હનુમાનજી" વિષે પૂ.શ્રી ભૂપેન્દ્રભાઇ પંડ્યાની અમૃતવાણીનો સાત દિવસનો કાર્યક્રમ યોજાયો હતો. એ વખતે શ્રી વલ્લભનિધી ટ્રસ્ટ યુ.કે., શ્રી સનાતન મંદિરના ચેરમેન શ્રી નરેન્દ્રભાઇ ઠકરાર તથા ટ્રસ્ટીઓ દ્વારા પૂજ્ય રામબાપાને "લાઇફ ટાઇમ એચીવમેન્ટ"નો એવોર્ડ અને શાલ અર્પણ કરીને સન્માનિત કરાયા હતા. પૂ. શ્રી ભૂપેન્દ્રભાઇ પંડ્યા, જે જેશ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રી (કડી-અમદાવાદ), જામનગર આણંદાબાવા આશ્રમના પૂ.શ્રી દેવીપ્રસાદ બાપુ, સંસ્થાના ચેરમેન નરેન્દ્રભાઇ ઠકરાર, ટ્રસ્ટીઓ પ્રદીપભાઇ ઠકરાર, મહેન્દ્રભાઇ પટેલ, ગોરાંદેબેન ભટ્ટ, રસિકાબેન પટેલ સહિત સંસ્થાના સૌ સભ્યોના હસ્તે આ એવોર્ડ અર્પણ કરાયો ત્યારે જય સિયારામના જયઘોષથી વાતાવરણ ગૂંજી ઊઠ્યું હતું. પૂ. રામબાપાના સાનિધ્યમાં એમનો પડછાયો બની રહેતાં એમના દીકરી શ્રીમતી ભારતીબેન કંટારીઆને પણ શાલ અર્પણ કરી સન્માનિત કરાયાં હતાં.


comments powered by Disqus