જીવનના પડકારો સામે ઝઝૂમનાર યુવાન મયૂર ડુમ્મસિયાને શૂરવીર એવોર્ડ

Wednesday 06th February 2019 05:50 EST
 
 

અમદાવાદઃ ૧૪ વર્ષની ઉમંરે રેલવે અકસ્માતમાં હાથ ગુમાવી દેનાર મયૂર ડુમ્મસિયાએ અકસ્માત બાદ ૪ મહિનામાં ૩ વખત આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેમ છતાં તે બચી જતાં તેણે જીવનને પડકાર સમજીને તેની સામે ઝઝુમવાનું શરૂ કર્યું. જે માટે તેને શૂરવીર એવોર્ડ મળ્યો છે.
મુંબઇના ભાયંદરની અભિનવ ડિગ્રી કોલેજમાં મયૂર ડુમ્મસિયા એકાઉન્ટન્સીના આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે હાલમાં ફરજ બજાવી રહ્યા છે. એટલું જ નહીં એક હાથે દિલ્હીથી મુંબઇ સુધી સાઇકલિંગ કરીને પણ યુવાનોમાં જાગૃતિ ફેલાવવાનું કામ તેણે શરૂ કર્યું છે. આ યુવાનને કેન્દ્ર સરકારે ભારત શૂરવીર એવોર્ડ એનાયત કર્યો છે.
મયૂર ડુમ્મસિયા દિલ્હીથી સાઇકલ ચલાવીને અમદાવાદ પણ આવ્યા હતા. કુલ ૧૧૮૯ કિમી સાઇકલ ચલાવ્યા પછી એક મુલાકાતમાં તેમણે જણાવ્યું હતું કે, જો હું એક હાથે સફળ થઇ શકતો હોઉં તો જે લોકોને બંને હાથ છે. તેમણે સમાજના સુધારા માટે કંઇક તો ફાળો આપવો જોઇએ.
મયૂર ડુમ્મસિયાએ રેવાડી, જયપુર, અજમેર, સિદ્ધપુર અને મહેસાણા સુધી સાયકલ ચલાવીને અલગ અલગ જાગૃતિ અભિયાનો કર્યાં છે.


comments powered by Disqus