દાહોદઃ નગરના વૈષ્ણવ પરિવારની પુત્રવધૂનું નામ જગવિખ્યાત ગ્રેમી એવોર્ડ માટે નોમિનેટ થયું છે. હાલ અમેરિકામાં વસતાં ફાલ્ગુની શાહનું ‘ફાલુ’સ બાઝાર’ આલબમ બેસ્ટ ચિલ્ડ્રન સોંગ્સ કેટેગરીમાં સ્થાન પામ્યું છે. મૂળ દાહોદનાં લીનાબેન અને દિલીપભાઈ રસિકલાલ શાહના પુત્રવધૂ ફાલ્ગુની દલાલ-શાહ જાણીતા ગાયિકા છે. તેમના ‘સ્મરણાંજલિ’ સહિત અનેક આલ્બમ પ્રકાશિત થયા છે.
વ્હાઈટ હાઉસમાં પણ પર્ફોમન્સ
કેન્સર નિષ્ણાત અને ગાયક પતિ ડો. ગૌરવ શાહ સાથે લગ્ન થયા બાદ અમેરિકા ખાતે સઘન ટ્રેનિંગ લઇને પણ સંગીતની ધૂણી ધખાવી. અમેરિકાના વ્હાઈટ હાઉસમાં નવેમ્બર ૨૦૦૯માં તત્કાલીન વડા પ્રધાન મનમોહન સિંહના સન્માનમાં ઓબામા સરકાર દ્વારા આયોજિત એક સમારંભમાં સંગીતકાર એ. આર. રહેમાનના સંગીત નિર્દેશનમાં ‘જય હો...’ ગીત ગાવા માટે તેમને પણ વિશેષ સ્થાન પ્રાપ્ત થયું હતું. જેમાં તેઓએ પોતાની સુરીલી પ્રસ્તુતિ દ્વારા સહુના મન મોહી લીધા હતા.
પ્રભાવશાળી મહિલાઓની યાદીમાં
૨૦૧૫માં ‘ઇકોનોમિક ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ દ્વારા થયેલા સર્વે મુજબ સૌથી પ્રભાવશાળી ૨૦ ભારતીય મહિલાઓમાં તેમને સ્થાન મળ્યું હતું. ૨૦૧૮માં તેને ‘વુમન આઇકોન્સ ઓફ ઇન્ડિયા’ એવોર્ડ પ્રાપ્ત થયો હતો. તાજેતરમાં પ્રકાશિત થયેલા તેમના નવા આલ્બમ ‘ફાલુ’સ બાઝાર’ માટે તેમનું નામ સાઉથ એશિયામાંથી એકમાત્ર વ્યક્તિ તરીકે નોમિનેટ થવા પામ્યું છે. મૂળ મુંબઈના વતની એવા શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રના ૪૪ વર્ષીય જાણીતા ગાયિકા ફાલ્ગુની શાહને આગામી
૧૦ ફેબ્રુઆરીએ લોસ એન્જલસના ડાઉનટાઉન ખાતે આયોજિત ગ્રેમી એવોર્ડના કાર્યક્રમમાં રેડ કાર્પેટ સન્માન પણ પ્રાપ્ત થશે.
૧૨ ગીતોમાં બાળસહજ જિજ્ઞાસા
‘ફાલુ’સ બાઝાર’ તેના ચાર વર્ષના પુત્ર નિશાદના બાળસહજ પ્રશ્નોમાંથી જન્મ્યું છે. ભાષા, ખાણીપીણીથી લઈને તેના દ્વારા પુછાતા જે તે પ્રશ્નોના પોતાની રીતે સંગીતમય જવાબ તેમાં છે. આ આલ્બમમાં તેમના પતિ અને માતાએ પણ ગાયું છે.

