મુંબઈઃ મુંબઈના અંધેરી સ્થિત મલ્ટિસ્પેશિયાલ્ટી કોકિલાબહેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ (કેડીએએચ) એન્ડ મેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનાં અધ્યક્ષા ટીના અનિલ અંબાણીએ પહેલી ફેબ્રુઆરીએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રની જેમ ગુજરાતને પણ અગ્રતા અપાશે. અમારી વિસ્તરણ યોજનાના ભાગરૂપે ૨૦૨૨ સુધીમાં રાજકોટમાં અત્યાધુનિક સુવિધાઓ અને ઉપકરણો સાથે કોકિલાબહેન ધીરુભાઈ અંબાણી મિનિ હોસ્પિટલ સ્થપાશે.
કોકિલાબહેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલને ૧૦ વર્ષ પૂરાં થયાં તે નિમિત્તે આ જાહેરાત સાથે વિશેષ ઉજવણી કરાઈ હતી. આ અવસરે ૨૦૦૯માં હોસ્પિટલનું ઉદઘાટન કરનાર બોલિવૂડના મહાનાયક અભિતાભ બચ્ચને પણ ખાસ હાજરી આપી હતી.
હોસ્પિટલની ટીમ દ્વારા જણાવાયું કે, રાજકોટમાં બે-અઢી એકરમાં ૨૨૫-૨૫૦ બેડની હોસ્પિટલ બનશે. જેમાં કેન્સર, લિવર ટ્રાન્સપ્લાન્ટ, બોનમેરો, રોબોટિક સર્જરી સહિત મુંબઈ જેવી જ અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાશે.
કોકિલાબહેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ એન્ડ મેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પીડિયાટ્રિક કાર્ડિયાક સાયન્સિસ એન્ડ કેન્સરમાં ક્લિનિકલ રિસર્ચ માટે અમેરિકાની બોસ્ટન ચિલ્ડ્રન્સ હોસ્પિટલ, મેમોરિયલ સ્લોઅન કેટેરિંગ કેન્સર સેન્ટર એન્ડ નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ સાથે વાતચીત કરે છે.
દેશમાં મેડિકલ રિસર્ચને આગળ વધારવા ઇન્સ્ટિટ્યૂટે ૧૧૨થી વધારે રિસર્ચ પ્રોજેક્ટ, ૨૨ ઇન્ટરનેશનલ મલ્ટિ-સેન્ટ્રિક ડ્રગ ટ્રાયલ્સ હાથ ધર્યાં છે તેમજ ઇન્ટરનેશનલ રિસર્ચ જર્નલ્સમાં ૧૩૮ રિસર્ચ પેપર્સ પ્રકાશિત કર્યાં છે. આ ઉપરાંત
ઇન્સ્ટિટ્યૂટ વિલ્સન ડિસિઝ પર સંશોધનમાં દુનિયામાં લીડર્સ છે તેઓ હોસ્પિટલ સાથે સંકળાયેલા છે. એમ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડો. રામ નારાયણે જણાવ્યું હતું. આ સમયે ડો. બિપિન શેવાળે, ડો. મિહિર દલાલ, ડો. સંતોષ શેટ્ટી પણ હાજર હતા.
૭૦૦૦થી વધુ બાળકો પર હાર્ટ સર્જરી
હોસ્પિટલમાં દર વર્ષે ૪૦૦૦૦થી વધારે પેશન્ટ હોસ્પિટલમાં દાખલ થાય છે. જેમાં મુંબઈ બહારના ૨૦ ટકા દર્દીઓ હોય છે. ૭૦૦૦થી વધારે ચિલ્ડ્રન હાર્ટસર્જરી થઈ છે, જેમાં ૬૦ ટકા સર્જરી ૩૦ દિવસથી ઓછી ઉંમરના બાળકોમાં થઈ છે. ૯૭ ટકા સફળતા સાથે આ હોસ્પિટલ અમેરિકાના બોસ્ટન ચિલ્ડ્રન્સ હાર્ટ હોસ્પિટલની સમકક્ષ છે.
ઉત્કૃષ્ટતાનું કેન્દ્ર: અમિતાભ
આ કાર્યક્રમાં મુખ્ય મહેમાન અમિતાભે જણાવ્યું કે આ સફળ પ્રવાસ માટે ટીનાભાભીને અભિનંદન. આ ઉત્કૃષ્ટતાનું કેન્દ્ર છે જ્યાં આગામી ૧૦ વર્ષ પછી પણ આવવાનું ગમશે. હું મારાથી શક્ય ટેકો આપીશ.
મારી દીકરી ૧૦ વર્ષની થઈઃ કોકિલાબહેન
કોકિલાબહેન અંબાણીએ જણાવ્યું હતું કે ટીનાના સમર્પણભાવથી આ સાહસ સફળ થયું છે. મારી પુત્રી ૧૦ વર્ષની થઈ એવી લાગણી થાય છે. સારવાર લીધેલા અનેક દર્દીઓનાં સંતોષ વ્યક્ત કરતાં પત્રો મળે ત્યારે ખૂબ જ આનંદ થાય છે.

