ગાંધીનગરઃ ગુજરાત પ્રવાસના પ્રથમ દિવસ સોમવારે શ્રેણીબદ્ધ કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ રાત્રે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાટનગરમાં સાબરમતી નદીના કાંઠે આવેલા પૌરાણિક ધોળેશ્વર મહાદેવ મંદિરે પહોંચ્યા હતા અને શિવજીના ચરણમાં શિશ ઝૂકાવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સહિતના અન્ય અગ્રણીઓ પણ તેમની સાથે જોડાયા હતા. બાદમાં નરેન્દ્ર મોદી માતાને મળવા રાયસણ સ્થિત નિવાસસ્થાને પહોંચ્યા હતા.
વડા પ્રધાન શિવજીમાં અખૂટ આસ્થા ધરાવે છે અને સોમવારે મહાશિવરાત્રિ પર્વ હતું. આથી તેમના સોમવારના વિવિધ કાર્યક્રમોમાં ધોળેશ્વર મહાદેવ મંદિરે દર્શનનો પણ સમાવેશ થતો હતો. મહાશિવરાત્રિની સાથે સાથે સોમવારનો અનોખો સંયોગ હોવાથી મંદિરમાં વિશેષ મહાપૂજાનું આયોજન થયું હતું. શિવભક્તોમાં ‘છોટા કાશી’ તરીકે જાણીતું આ મંદિર શ્રદ્ધાનું કેન્દ્રસ્થાન છે. આ મંદિરનો ઉલ્લેખ શિવ પુરાણમાં પણ જોવા મળે છે.
પૂર્વનિર્ધારિત કાર્યક્રમ અનુસાર વડા પ્રધાન મેટ્રો ટ્રેન અને હોસ્પિટલનું લોકાર્પણ કર્યા બાદ આઠેક વાગ્યાના અરસામાં મંદિરે પહોંચવાના હતા અને મહાપૂજામાં ઉપસ્થિત રહેવાના હતા. જોકે તેમને મંદિરે પહોંચતા જ લગભગ સાડા નવ વાગી ગયા હોવાથી વિશેષ પૂજાના બદલે સંકલ્પ કરીને સંતોષ માન્યો હતો. ધોળેશ્વર મહાદેવના મહંત રામસ્વરૂપપુરીએ શાલ ઓઢાડીને વડા પ્રધાનનું સ્વાગત કર્યું હતું. મોદીએ મંદિરમાં અંદાજે દસેક મિનિટ શિવજીની પુજા-અર્ચના કરી હતી.
વડા પ્રધાન ધોળેશ્વર મહાદેવ મંદિર આવવાના હોવાથી સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પાછળ સાબરમતી નદીનો વિશાળ પટ પાછળ હોવાથી ત્યાં ઘોડેસવાર પોલીસનો કાફલો ફરતો જોવા મળતો હતો. તો મંદિર આસપાસ એસપીજીના કમાન્ડો, પોલીસ અને એસઆરપીના જવાનો તૈનાત હતા. વડા પ્રધાનની એક ઝલક મેળવવા માટે આસપાસના નાગરિકોથી માંડીને ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં મંદિરે ઉમટ્યા હતા.
નરેન્દ્ર મોદી ધોળેશ્વર મંદિરેથી સીધા જ તેમના માતા હિરાબાને મળવા રાયસણ સ્થિત તેમના ભાઇના નિવાસસ્થાને પહોંચ્યા હતા. અને થોડોક સમય માતા તથા પરિવારજનો સાથે વીતાવ્યા બાદ રાત્રિમુકામ માટે રાજભવન પહોંચ્યા હતા. સામાન્ય સંજોગોમાં નરેન્દ્રભાઇ તેમના માતાને મળવા વહેલી સવારે જાય છે, પરંતુ મંગળવારે સવારથી જ અનેક કાર્યક્રમોમાં હાજરી આપવાની હોવાથી આ વખતે તેઓ રાત્રે જ માતાને મળવા પહોંચ્યા હતા.

