નવી દિલ્હીઃ પાકિસ્તાનની કસ્ટડીમાં ૬૦ કલાક રહીને બીજી માર્ચે પરત ફરેલા ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનની સુરક્ષા એજન્સીઓએ ડિબ્રિફિંગ પ્રક્રિયા હાથ ધરી છે. એરફોર્સના ઘણાં સિનિયર અધિકારીઓ તેમની મુલાકાત માટે હોસ્પિટલમાં આવ્યા હતા. કોઇ સૈન્યાધિકારી, સૈનિક કે જાસૂસ તેના મિશન પરથી પરત ફરે ત્યારે હાથ ધરાતી પૂછપરછ પ્રક્રિયા ડિબ્રિફિંગ તરીકે ઓળખાય છે. આ ઉપરાંત મેડિકલ ચેકઅપ ચાલે છે. તેમના શરીરમાં માઇક્રોચિપ કે બગ ન હોવાનું તબીબી તારણ છે.
અહેવાલ અનુસાર ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન પર પાકિસ્તાનમાં શારીરિક નહીં, પણ માનસિક ત્રાસ ગુજારાયો હતો. દિલ્હી સ્થિત આર્મી હોસ્પિટલમાં સારવાર વેળા અભિનંદને જણાવ્યું હતું કે મારે પાકિસ્તાની સેનાની અટકાયત વખતે શારીરિક નહીં પણ માનસિક હેરાનગતિ સહન કરવી પડી હતી. મેં મારી મુલાકાતે આવેલા વાયુદળના વડા અને સંરક્ષણ પ્રધાન નિર્મલા સિતારમનને આ અંગે જણાવ્યું છે. પાકિસ્તાન એફ-૧૬ને તોડી પાડ્યા બાદ મારું મિગ-૨૧ વિમાન પણ તૂટી પડ્યું હતું, પરંતુ હું પેરાશૂટ વડે બહાર કૂદી ગયો હતો. ત્યાર બાદ સ્થાનિક લોકો સાથે થોડી માથાકૂટ થયા બાદ પાક. આર્મીના જવાનોએ મને કસ્ટડીમાં લઈ લીધો હતો.
અભિનંદન કહે છે કે મારી સાથે તેમણે કોઈ શારિરિક મારપીટ કરી નહોતી, પરંતુ મને માનસિક રીતે ખૂબ હેરાન કર્યો હતો. એટલું જ નહીં પાકિસ્તાનની તરફેણમાં બોલવા માટે ફરજ પડાઈ હતી. વીડિયોને એડિટ અને મોર્ફ કરીને સોશિયલ મીડિયા પર રજૂ કરાયો છે. જિનિવા સંધિ મુજબ મને પૂછી ન શકાય એવા સવાલ સતત પૂછાયા હતા. ભારતનો પ્લાન શું છે? કેવા વિમાન તે ઉડાવે છે? ભારતમાં ક્યાં રહે છે? વગેરે સવાલો પૂછતા હતા.
વિંગ કમાન્ડર અભિનંદનને મળવા સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમન ત્રીજી માર્ચે દિલ્હી સ્થિત સેનાની રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે વિંગ કમાન્ડરના પરિવારના સભ્યો સાથે પણ મુલાકાત કરી હતી. હોસ્પિટલમાં નિર્મલાએ અભિનંદનના જુસ્સાની પ્રશંસા કરી થોડો સમય તેમની સાથે વિતાવ્યો હતો.
આ મારો શિકાર છે!
ભારતીય હવાઇસીમામાં પાકિસ્તાની યુદ્ધ વિમાન એફ-૧૬ નજરે પડતાં જ વિંગ કમાન્ડર અભિનંદન બોલી ઊઠયા હતા કે આ તો મારો શિકાર છે. તેઓ મિગ-૨૧ વિમાનમાં ૧૫,૦૦૦ ફૂટની ઊંચાઈએ ઊડી રહ્યા હતા. તે સમયે પાકિસ્તાનનું એફ-૧૬ વિમાન ૮,૦૦૦ ફૂટની ઊંચાઈ પર હતું. આ પ્લેન નૌશેરા સેક્ટરમાં ઘૂસી ચૂક્યું હતું. તેને જોઈને અભિનંદન ક્રોધે ભરાયા હતા. તેમણે તરત જ ભારતીય હવાઇ સીમાની સુરક્ષા કરી રહેલા સાથી વિમાનોને જણાવ્યું હતું કે આને તો હું ખદેડી મૂકીશ. આ મારો શિકાર છે. પછી ૮૬ સેકન્ડની ડોગ ફાઇટ શરૂ થઈ હતી. અભિનંદને પાકિસ્તાની એફ-૧૬ વિમાનને આર-૭૩ મિસાઇલથી તોડી પાડયું, પરંતુ એફ-૧૬ના પ્રહારના કારણે તેમના મિગ ૨૧ને પણ નુકસાન થયું હતું. તેથી તેમને ઇજેક્ટ કરવું પડ્યું હતું અને પેરાશૂટ દ્વારા તેમણે લેન્ડીંગ કર્યું ત્યારે પાક.કબજાગ્રસ્ત કાશ્મીરમાં ઉતર્યા હતા.
વિંગ કમાન્ડરનું સ્વદેશ આગમન
પાકિસ્તાનની કસ્ટડીમાં રહેલા વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનનું પહેલી માર્ચ - શુક્રવારે સ્વદેશ આગમન થયું છે. કલાકોના ઇંતઝાર બાદ ભારત-પાકિસ્તાનને અલગ કરતી પંજાબની અટારી બોર્ડરે તેમનું આગમન થતાં જ દેશભરમાં ભારત માતા કી જય... અને જય હિંદના નારા ગાજી ઉઠ્યા હતા. અભિનંદનને બોર્ડર સિક્યુરિટી ફોર્સના ડિરેક્ટર જનરલ સહિતના અધિકારીઓએ આવકાર્યા હતા. પાક. વડા પ્રધાન ઇમરાન ખાને આગલા દિવસે જ સંસદમાં જાહેરાત કરી હતી કે વિંગ કમાન્ડર અભિનંદન શુક્રવારે ભારતને સોંપાશે. જોકે પાકિસ્તાને વિંગ કમાન્ડર અભિનંદનનો કબજો ભારતને સોંપવામાં કાનૂની કાર્યવાહીના નામે કલાકો વેડફ્યા હતા.

