એક માણસ મુંબઈના બારમાં દારૂથી છલોછલ ગ્લાસ ભરીને બેઠો હતો. એક ‘ભાઈ’ ત્યાં આવ્યો એક જ ઘૂંટે દારૂનો એ ગ્લાસ ખાલી કરી નાખ્યો. મુંબઈમાં અંધારી આલમના ‘ભાઈ’ને તો કંઈ કહી ન શકાય એટલે પેલો માણસ રડવા માંડ્યો.
ભાઇઃ અબે રોતા ક્યોં હૈ? તેરે વાસ્તે અપુન પૂરા બોટલ મંગવા દેતા હૈ! સમજા ક્યા?
માણસઃ ભાઇ આજનો મારો દિવસ જ કમનસીબ છે.
ભાઇઃ અઇસા ક્યા?!
માણસઃ સવારે ઊઠ્યો ત્યાં ખબર પડી કે મારી બૈરી પડોશી સાથે છુ થઈ ગઈ છે. ત્રણ સંતાનોનો ભાર મારા માથે મૂકતી ગઈ છે. ઓફિસે જવા માટે નીકળ્યો તો ટ્રેઇન ચૂકી ગયો. કલાક પછી જે ટ્રેઇન મળી એમાં ભારે ભીડમાં ઊભા ઊભા પ્રવાસ કરવો પડ્યો. ઓફિસે પહોંચ્યો તો શેઠે ખખડાવી નાખ્યો. બપોરે જમવા ગયો તો ઢોંસાના સંભારમાંથી વંદો દેખાયો. સાંજે ઓફિસ બંધ થતાં પહેલાં શેઠે કહ્યું કે કાલથી નોકરીએ ના આવતા. આ બધી બદનસીબ ઘટનાઓને પગલે જીવનનો અંત લાવવા બારમાં આવ્યો. દારૂમાં ઝેર મેળવીને ગ્લાસ મોઢે જ માંડવા જતો’તો ત્યાં તમે એ ગ્લાસ ગટગટાવી ગયા!
•
બન્તાએ ‘લાઇવ રેડિયો એફએમ' પર ફોન કર્યોઃ
‘હેલ્લો જી... યે રેડિયો સ્ટેશન હૈ?’
‘હાં...’
‘મેરી આવાઝ પુરા શહર સુન રહા હૈ જી?’
‘હાં...’
‘યાને, હેલ્લો જી, મેરે ઘર મેં ભી મેરી આવાઝ સુનાઇ દેતી હોગી જી?’
‘હાં ભઇ હાં!’
‘તો હેલ્લોજી, મેરી બીવી ભી મેરી આવાઝ સુન રહી હોગી ના?’
‘અરે હાં...’
‘તો હેલ્લો પિન્કીઇઇ... અગર મેરી આવાજ સુન રહી હૈ તો ફૌરન જાકે પાની કી મોટર ચલા દે. મૈંને ઉપર કે બાથરૂમ મેં નહાતે નહાતે સારી બોડી પે સાબુન લગા દિયા હૈ મગર પાની ચલા ગયા... મૈંને બહોત આવાજ લગાઇ મગર તું રેડિયો સુન રહી થી... તેરા ફોન ભી સ્વીચ-ઓફ આ રહા થા પિન્કીઇઇ...’
•
માસ્ટર મોંઘાલાલઃ ગાંધીજીના સત્યાગ્રહને કારણે આપણને ૧૫ ઓગસ્ટે શું મળ્યું?
ચંગુએ ફટ કરતાં જવાબ આપ્યોઃ રજા...
•
સોશિયલ મિડીયાની સૌથી મોટી સિદ્ધિ એ છે કે તમને સહેલાઈથી એન્ટી સોશિયલ (સમાજથી દૂર) બનાવી દે છે.
•
ઘેટું હોવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તમારે આવી ઠંડીમાં સ્વેટર ખરીદવા જવાની જરૂર જ ના પડે!
•
સરકારને પ્રજા પર ભરોસો જ ક્યાં છે?
જુઓને, ગુજરાતમાં દારૂબંધી છે છતાં ય ઠેર ઠેર બોર્ડ મારવા પડે છે કે ‘ડ્રિન્કીંગ પછી ડ્રાઈવિંગ ડેન્જરસ છે!’
•
ગામની સારી અને મોંઘી સ્કુલમાં લલ્લુને દાખલ કર્યા પછી છ-સાત દિવસ પછી લલ્લુએ પિતા છગનને કહ્યું, ‘પપ્પા, મને બીજી સ્કુલમાં દાખલ કરાવો.’
‘કેમ બેટા?’ છગને પૂછ્યું, ‘આ તો સારામાં સારી સ્કુલ છે અને મોંઘી ફી ભરીને માંડ માંડ તને એડમિશન અપાવ્યું છે.’
‘બરોબર છે,’ લલ્લુ બોલ્યો, ‘પણ પપ્પા ત્યાંના ટીચરોને કશું જ આવડતું નથી. હંમેશા અમને સ્ટુડન્ટોને પૂછ્યા કરે છે કે કયા રાજા કે બાદશાહનો ક્યાં જન્મ થયો? ફલાણી વસ્તુ ક્યાં ઉત્પન્ન થાય છે? અમુક શબ્દનો શું અર્થ થાય છે? મેથ્સના દાખલા પણ નથી આવડતા.’
