બેંગલૂરુ: કર્ણાટકના મહાનગર બેંગલૂરુથી ૫૦૦ કિમી દૂર આવ્યું છે ધારવાડ જિલ્લાનું લોકુર ગામ. અહીંનો ભીમન્ના નરસિંગવર પરિવાર દેશના સૌથી મોટા સંયુક્ત પરિવારોમાં સામેલ છે. પરિવારના ૧૪૦ સભ્ય એક સાથે રહે છે. તેમાં ૮૦ પુરુષ અને ૬૦ મહિલા છે. ૧૮ વર્ષ સુધીની ઉંમરના ૩૦ લોકો છે.
પત્રકાર ત્યાં પહોંચ્યા ત્યારે ઘરના આંગણામાં સાત-આઠ ચુલા પર નહાવા માટે પાણી ગરમ થઇ રહ્યું હતું. એક રૂમમાંથી ઘંટી ચાલવાનો અવાજ આવતો હતો. પરિવારના સભ્ય મંજૂનાથે જણાવ્યું કે દાળ, બેસન, મેંદો અને જુવાર પીસવા માટે પરિવાર પાસે પોતાની જ બે ઘંટી છે. અહીં રોજ દળણું થાય છે. રોજ બધાનું જમવાનું એક સાથે બને છે. અને તે પણ ત્રણ વખત. એક વારમાં જુવારના ઓછામાં ઓછા ૩૦૦ રોટલા બને છે. ૪૦ ગાય છે, જે રોજ કુલ ૧૫૦ લિટર દૂધ આપે છે. પરિવાર પાસે ૨૦૦ એકર જમીન છે.
દર વર્ષે પરિવાર પર રિસર્ચ
૯૦ વર્ષના ઇશ્વરપ્પા જણાવે છે કે પરિવાર સાત પેઢી અગાઉ મહારાષ્ટ્રના હટકલ અન્ગદાથી અહીં આવ્યો હતો. ત્યારથી કોઇ વિભાજન થયું નથી. આ દરમિયાન ઘણી મુસીબતો આવી અને ગઇ પણ પરિવાર સાથે રહ્યો. ૧૯૯૮થી ૬ વર્ષ દુષ્કાળ રહ્યો. દેવું કરવું પડ્યું, જે વધતું-વધતું હાલ ૪ કરોડ રૂપિયા થઇ ગયું છે. અમે ભેગા મળીને તેનો રસ્તો કાઢ્યો છે. અમે ૧૫ એકર જમીન વેચીશું. અહીં એક એકર જમીનનો ભાવ ૨૦-૨૫ લાખ રૂ. છે. ખેતીકામની જવાબદારી સંભાળતા દેવેન્દ્ર જણાવે છે કે રોજ ૧૦થી વધુ ખેતરોમાં ૫૦ મજૂર કામ કરે છે. નાના ખર્ચની ખબર નથી પડતી પણ મોટા ખર્ચ બહુ થાય છે. દર વર્ષે પરિવારમાં બે-ત્રણ લગ્નપ્રસંગ આવે. એક લગ્ન પાછળ ૧૦ લાખ રૂપિયા ખર્ચ થાય છે. ભણતર પાછળ પણ બહુ ખર્ચ થાય છે.
પરિવારની પુત્રવધૂ પદ્મા ગર્વથી કહે છે કે અમારા પરિવારમાં ક્યારેય કોઇનું ૮૦ વર્ષથી ઓછી ઉંમરે મૃત્યુ નથી થયું. દર વર્ષે મુંબઇ, બેંગલૂરુ, હુબલીના ૧૫થી ૨૦ વિદ્યાર્થી આ પરિવાર પર રિસર્ચ કરે છે. જાણીતા ફિલ્મ દિગ્દર્શક કેતન મહેતા તો ફિલ્મ પણ બનાવી ચૂક્યા છે.
બધાની જવાબદારી નક્કી છે
વધતી જરૂરિયાતોના કારણે પરિવારના ૬ ઘર છે. બધા ઘરનું જમવાનું ૧૯૭૫માં બનેલા સૌથી જૂના ઘરના રસોડામાં બને છે. બધાની જવાબદારી પણ નક્કી કરેલી છે. જેમ કે, ૩૦ બાળકોનું ભણતર મંજૂનાથ જોવે છે, જે ૨૦ કિમી દૂર રહે છે. રસોડું ૭૫ વર્ષનાં કસ્તૂરી સંભાળે છે. વહુઓ-દીકરીઓની મદદ કરે છે. દેવેન્દ્ર ખેતી-મશીનોનું કામ જોવે છે. મહિલા મજૂરોને પદ્મા જ્યારે પુરુષ મજૂરોને ધર્મેન્દ્ર સંભાળે છે.
સાથે બેસીને મનદુ:ખ દૂર કરે છે
જો કોઇને કોઇ વાતે ફરિયાદ હોય કે કોઇ મુદ્દે મનદુ:ખ થયું હોય તો બધા સાથે બેસીને તેનો ઉકેલ લાવે છે. અંતિમ નિર્ણય ૯૦ વર્ષના ઇશ્વરપ્પાનો હોય છે અને તેમના શબ્દોને કોઇ ઉથાપતું નથી.
સૌથી મોટી ખૂબી છે સાદગી
આ પરિવારની સૌથી મોટી ખાસિયત છે સાદગી. સૌને બાળપણથી જ શીખવવામાં આવે છે કે ઓછી સગવડો સાથે પણ જીવી શકાય અને દરેક સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે.
દશેરા પર આખો પરિવાર ભેગો થાય છે
નોકરીઓના કારણે બહાર રહેતા પરિવારના અન્ય ૭૦ સભ્ય દશેરા પર ગામમાં અચૂક આવે છે. બહાર રહેતો કોઇ સભ્ય આ પ્રસંગે ન આવી શક્યો હોય તેવું ક્યારેય બન્યું નથી.
બાળકો ટીવી-મોબાઇલથી દૂર
૧૪૦ સભ્યોના પરિવારમાં માત્ર બે ટીવી છે. બાળકોને ક્યારેય ટીવીની જરૂરિયાત નથી જણાતી. બાળકોને મોબાઇલ-ટીવીથી દૂર રાખવામાં આવે છે.
આ પરિવારમાં એક અપવાદને બાદ કરતા બધાનું સરેરાશ આયુષ્ય ૮૦ વર્ષથી વધુ જોવા મળે છે.

