શિક્ષણવિદ અને લેખિકા પરીન સોમાણીને તાજેતરમાં ઈન્ટરનેશનલ ડાયસ્પોરા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. અખિલ ભારતીય સાહિત્ય પરિષદની સહયોગી મધ્યપ્રદેશ ભારતીય હિંદી સાહિત્ય સભા દ્વારા ગઈ ૧૭ નવેમ્બરે ગ્વાલિયરમાં તેમને આ એવોર્ડ એનાયત કરાયો હતો. વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પરીન સ્કોલર છે અને તેઓ શિક્ષણ ક્ષેત્રમાં ધાર્મિક સંદર્ભમાં અમલમાં મૂકી શકાય તેવી પશ્ચિમ જગતની વિવિધ શિક્ષણ પદ્ધતિઓનો અભ્યાસ કરે છે.
તેમણે વિઝિટિંગ લેક્ચરર તરીકે દુનિયાના વિક્સિત વિસ્તારોનો પ્રવાસ કર્યો છે. મહિલા સશક્તિકરણ પર વિશેષ ભાર મૂકવા સાથે માનસિક સ્વાસ્થ્ય અને તંદુરસ્ત હોવાની બાબત સાથે સંકળાયેલા સામાજિક કલંકને દૂર કરવા માટે સમકાલીન શિક્ષણ પદ્ધતિઓને અમલી બનાવવાના ઉદ્દેશથી તેમણે આ પ્રવાસ કર્યો હતો.
હાલ બેંકિંગ ઉદ્યોગમાં કાર્યરત પરીન ફ્રીલાન્સ સાહિત્યકાર, લેખિકા અને કવયિત્રી છે. તેઓ રોટરી ક્લબ સહિત વિવિધ ચેરિટી સાથે સંકળાયેલા છે અને ઈસ્માઈલી કોમ્યુનિટી અને સંસ્થાઓમાં વોલન્ટિયર તરીકે સેવા આપી છે.