લંડનઃ કોરોના વાઈરસના સામના માટે ફાઈઝર-બાયોએનટેક (Pfizer-BioNTech)ની વેક્સિનને મંજૂરી આપનારો બ્રિટન વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. બ્રિટને આ વેક્સિનના ૪૦ મિલિયન ડોઝ ખરીદ્યા છે અને તેના ડોઝ યુકેમાં આવવાનું શરૂ પણ થઇ ગયું છે. મેડિસિન્સ એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સી (MHRA)ની વેક્સિનને મંજૂરી મળતા મંગળવાર - ૮ ડિસેમ્બરથી વેક્સિનેશન શરૂ થવા સાથે જ બ્રિટનના ઈતિહાસનો સૌથી મોટો રસીકરણ પ્રોગ્રામ પણ શરૂ થયો છે. ફાઇઝર-બાયોએનટેકનો સૌપ્રથમ ડોઝ ૯૧ વર્ષના ઉંબરે ઉભેલા દાદીમા માર્ગારેટ કીનનને અપાયો હતો. તો એશિયન સમુદાયમાં સૌપ્રથમ વેક્સિન ગુજરાતી દંપતી ડો. હરિ શુક્લા અને તેમના પત્ની રંજનબહેનને અપાઇ છે.
મેડિસિન્સ એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સી (MHRA) દ્વારા વેક્સિનની મંજૂરી અપાતા ૮ ડિસેમ્બર, મંગળવારથી આ વેક્સિનના ડોઝ આપવાની શરુઆત સાથે બ્રિટનના ઈતિહાસનો સૌથી મોટો રસીકરણ પ્રોગ્રામ પણ શરુ થશે. અમેરિકી કંપની ફાઈઝર અને જર્મન કંપની બાયોએનટેક દ્વારા સંયુક્ત રીતે વિકસાવાયેલી આ વેક્સિન ૯૫ ટકા સુધી સલામત જણાઈ હોવાનું MHRAએ જણાવ્યું છે. બ્રિટિશ મેડિકલ અધિકારીઓએ જણાવ્યું હતું કે રસીને ત્રણ ટ્રાયલ બાદ ઝડપથી મંજૂરી અપાઈ છે, પરંતુ સુરક્ષા સાથે કોઈ બાંધછોડ કરાઈ નથી. રસીના તમામ પરીક્ષણો થયા છે અને પરિણામોનો પૂરતો અભ્યાસ કરાયો છે. યુકેની ૫૦થી વધુ વધુ હોસ્પિટલ્સ અને કોવિડ સેન્ટર્સમાં હાથ ધરાનારા રસીકરણ પ્રોગ્રામમાં સૌથી વધુ જોખમ ધરાવતા દર્દીઓ ઉપરાંત હેલ્થકેર સ્ટાફ અને અન્ય જરૂરિયાતમંદોને પહેલા વેક્સિન અપાશે.
આ રસી બે ડોઝમાં આપવાની છે. પહેલા ડોઝના ૨૧ દિવસ પછી બૂસ્ટર ડોઝ અપાશે. રેગ્યુલેટર્સે દાવો કર્યો છે કે ફાઈઝરની કોવિડ વેક્સિન પ્રથમ ડોજ અપાયાના માત્ર ૧૨ દિવસમાં જ ‘અંશતઃ ઈમ્યુનિટી’ પૂરી પાડશે. આનો અર્થ એ કરી શકાય કે વેક્સિનનો પ્રથમ ડોઝ મેળવાનારાને ક્રિસમસ પહેલા જ અસર થશે. ૨૧ દિવસે બીજો બૂસ્ટર ડોઝ મેળવ્યાના સાત જ દિવસ પછી લોકોમાં રોગપ્રતિકાર શક્તિ (ઈમ્યુનિટી) આવી જશે.
આર્મી દ્વારા રસીકરણની ટ્રાયલ
રસીકરણ કાર્યક્રમ સૌ પહેલા હોસ્પિટલ્સમાં હાથ ધરાશે અને તે પછી GPs, શહેરોમાં કેન્દ્રસમાન સ્ટેડિયમ્સ અને કોન્ફરન્સ સેન્ટર્સમાં વેક્સિન અપાશે. NHSના ચીફ એક્ઝિક્યુટિવ સર સિમોન સ્ટીવન્સે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે હજારો લોકો – પેશન્ટ્સને વેક્સિન અપાવાની છે તેવા એક સ્થળે આર્મી દ્વારા રસીકરણની ટ્રાયલ પણ યોજવામાં આવી હતી. આર્મી દ્વારા ‘Exercise Panacea’ નામ ધરાવતું ડ્રીલ ઓપરેશન બ્રિસ્ટોલના એશ્ટોન ગેટ ફૂટબોલ એન્ડ રગ્બી સ્ટેડિયમમાં હાથ ધરાયું હતું. આ સ્ટેડિયમમાં સાતેય દિવસના ૧૨ કલાક સુધી વેક્સિનેશન અપાશે. રસીકરણ માટે લંડનના એક્સેલ સેન્ટરની નાઈટેંગલ હોસ્પિટલ, લેસ્ટર રેસકોર્સ તેમજ માન્ચેસ્ટર ટેનિસ એન્ડ ફૂટબોલ સેન્ટર સહિત આશરે સાત રિજનલ કેન્દ્રો ઉપયોગમાં લેવાશે તેમજ ઊંચા જોખમ ધરાવતા પેશન્ટ્સ માટે જીપી સર્જરીઝને ઉપયોગમાં લેવાશે. NHS અત્યારથી એપ્રિલ સુધીના સમયગાળામાં બ્રિસ્ટોલના સ્ટેડિયમ તેમજ સ્થાનિક ફેસિલિટીસ અને પડોશના નોર્થ સમરસેટ અને સાઉથ ગ્લોસ્ટરશાયરમાં સપ્તાહમાં ૭૫,૦૦૦થી ૧૧૦,૦૦૦ જેટલા લોકોનું રસીકરણ કરવા ધારે છે.
સૌથી ઝડપી વિકસાવાયેલી પ્રથમ વેક્સિન
સામાન્ય રીતે વેક્સિન વિકસાવવામાં પાંચ-પંદર વર્ષ લાગી જતાં હોય છે. કોરોનાની કટોકટીને ધ્યાને લઈને બધી રસી વહેલી તૈયાર થાય એ માટે સંશોધકો દિવસ-રાત એક કરી રહ્યા હોવાના જ પરિણામે આ રસી દસ મહિનામાં ઉપલબ્ધ થઈ છે. અત્યાર સુધીની આ જગતની સૌથી ઝડપી તૈયાર થયેલી રસી છે. આ વેક્સિન તૈયાર કરવા કોરોના વાઈરસના જીનિટેક કોડ (બંધારણ)ને અલગ પાડી, તેના ટુકડાનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે. વિશ્વમાં મનુષ્યો માટે પ્રથમ વખત RNA (રિબો ન્યુક્લિયક એસિડ) આધારિત વેક્સિનમાં વાઈરસના જિનેટિક કોડના ટુકડા શરીરમાં જશે અને શરીરને કોરોના સામે કેમ લડવું એ શીખવશે.
ફાઈઝરની જેમ અમેરિકાની મોર્ડના કંપનીની રસી પણ એક સરખી ફોર્મ્યુલા પર આધારિત છે અને આ કંપનીએ પણ દાવો કર્યો છે કે, તેમની વેક્સિન ૯૪.૫ ટકા અસરકારક છે. મોટી વયના લોકોમાં પણ આ વેકિસનના કારણે કોરોના સામે લડવા માટેની એન્ટી બોડીઝ શરીરમાં બની રહી છે.
વેક્સિન સાચવવા માઈનસ ૭૦ ડીગ્રી તાપમાન જરુરી
આ રસી સામાન્ય ફ્રીઝમાં નહિ પરંતુ, માઈનસ ૭૦ ડીગ્રી સેન્ટિગ્રેડ (- ૯૪ ડીગ્રી F) તાપમાન ધરાવતા ફ્રિઝરમાં સાચવવાની રહેશે. નીચું તાપમાન જરૂરી હોવાથી વિશિષ્ટ પ્રકારના બોક્સ દ્વારા જ તેની હેરાફેરી થઈ શકશે. ડિલિવર થયા પછી પાંચ દિવસ સુધી ઉપયોગમાં લઈ શકાશે. આના કારણે બ્રિટિશ સરકાર માટે રસી સાચવવાની સ્ટોરેજ સિસ્ટમ ઉભી કરવાનો પડકાર રહેશે.
ઓક્સફર્ડની કોવિડ વેક્સિન ક્યારે?
જો બ્રિટિસ ડ્રગ રેગ્યુલેટર્સ દ્વારા મંજૂરી મળી જશે તો ઓક્સફર્ડ યુનિવર્સિટી- એસ્ટ્રાઝેનેકાની કોરોના વાઈરસ વેક્સિન ક્રિસમસ અગાઉ ઉપયોગમાં લેવાવાની શક્યતા છે. હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા ૨૭ નવેમ્બરે અપાયેલી સૂચના પછી હાલ તેનું મૂલ્યાંકન કરાઈ રહ્યું છે. વિજ્ઞાનીઓએ મેડિકલ જર્નલને તેના ફાઈનલ ટ્રાયલ રિઝલ્ટ્સ પૂરાં પાડ્યા છે, જે ટુંક સમયમાં પ્રસિદ્ધ કરાશે.
ઈંગ્લેન્ડના ડેપ્યુટી ચીફ મેડિકલ ઓફિસર પ્રોફેસર જોનાથન વાન-ટામે જણાવ્યું હતું કે યુકે દ્વારા ઓર્ડર અપાયેલા ૧૦૦ મિલિયન ડોઝીસના વેક્સિનને ક્રિસમસ પહેલા મંજૂરી મળવાની સંભાવના છે. ૯૦ ટકા અસરકારકતા દર ધરાવતાં ઓક્સફર્ડ વેક્સિનનું ઉત્પાદન ઈંગ્લેન્ડમાં થઈ રહ્યું છે અને મંજૂરીના થોડા દિવસમાં જ તેનો ઉપયોગ શરુ કરી દેવાશે કારણકે તેના ૪ મિલિયન ડોઝ તૈયાર છે. આ વેક્સિનનો સંગ્રહ સામાન્ય રુમ તાપમાન અથવા ફ્રિજના સામાન્ય તાપમાને (૨-૮ ડીગ્રી C) કરી શકાય છે.