આ વીકએન્ડમાં લંડનમાં ભારતીય હાઈ કમિશનના સ્થળ ઈન્ડિયા હાઉસને તોફાની દેખાવકારોના મોટા જૂથે ફરી એક વખત ઘેરી લીધું હતું. તેઓ ખેડૂતોના મુદ્દે વિરોધ દર્શાવવા આવ્યા હતા પરંતુ, કટ્ટરવાદી અને ઉગ્રવાદી તત્વોએ પોતાના એજન્ડાને આગળ ધરવા આ વિરોધ પર કબજો જમાવી લીધો હોય તેમ સ્પષ્ટ થયું હતું. દેખાવકારોએ વિરોધ પ્રદર્શિત કરવા સત્તાવાળાઓ દ્વારા અપાયેલી પરવાનગીની શરતોનો દેખીતો ભંગ કર્યો હતો. અખબારી અહેવાલો કહે છે કે આયોજકોને માત્ર ૩૦ વ્યક્તિના એકત્ર થવાની પરવાનગી મળી હતી પરંતુ, પરવાનગીની શરતોનો ભંગ કરી ૩૫૦૦-૪૦૦૦ લોકોના ટોળાં ઈન્ડિયા હાઉસની બહાર એકત્ર થયા હતા. યુકે કોવિડ વિરુદ્ધ ફ્રન્ટલાઈન વર્કર્સના રસીકરણનો આરંભ કરી રહ્યું હતું ત્યારે કોવિડ પ્રોટોકલ્સના સંપૂર્ણ ભંગ સાથે ભારતવિરોધી સૂત્રોચ્ચારો કરતા લોકોના ટોળાંને નિહાળવા યુકેની પ્રજાને વિચિત્ર લાગ્યું હશે. આ ટોળાંમાં કેટલાકે ખાલિસ્તાની ધ્વજો પણ લહેરાવ્યા હતા જેનાથી ચોક્કસ ઉગ્રવાદી તત્વોના રાજકીય એજન્ડાને પણ જોઈ શકાયો હતો.
મેં આ દેખાવોના ફૂટેજ નિહાળ્યાં ત્યારે મને સપ્ટેમ્બર ૨૦૧૯માં ઈન્ડિયા હાઉસની બહાર કરાયેલા વિરોધ પ્રદર્શનની યાદ આવી ગઈ. અમે બધાં હાઈ કમિશનમાં કામ કરતા હતા ત્યારે બિલ્ડિંગ સામે સ્મોક બોમ્બ્સ ફેંકાયા હતા. તે સમયે તોફાની ટોળાં પાકિસ્તાની મૂળના હતા અને તેમની સાથે કેટલાક ખાલિસ્તાનવાદી તત્વો પણ હતા. આવા જ કેટલાક લોકોએ આ વીકએન્ડના વિરોધી દેખાવો પર કબજો મેળવી લીધો તેમજ ભારત અને તેની નેતાગીરી વિરુદ્ધ જોરશોરથી સૂત્રોચ્ચાર કરનારાઓની નેતાગીરી કરી રહ્યા હતા તે જરા પણ આશ્ચર્યની બાબત નથી.
ભારતમાં તાજેતરમાં પસાર કરાયેલા નવા કૃષિ કાયદાઓ વિરુદ્ધ ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. લોકશાહીમાં લોકો વિરોધ કરી શકે છે. લોકશાહીની સુંદરતા લોકોની આ તાકાતમાં જ રહેલી છે. ખેડૂતોએ પોતાનો વિરોધ સરકાર સુધી પહોંચાડ્યો છે. સરકાર અને ખેડૂતોના પ્રતિનિધિઓ વચ્ચે વાટાઘાટો શરુ પણ થઈ છે. મીડિયા અને સભ્ય સમાજ તથા ભારતના લોકો પણ આ પ્રક્રિયા પર નજર રાખી રહ્યા છે. લંડનમાં ઈન્ડિયા હાઉસની બહાર આ પ્રકારના તોફાનોથી ભારતમાં ખેડૂતોના પ્રયાસોમાં શું મદદ મળશે તે સ્પષ્ટ થતું નથી.
યુકેના ૨૦૧૧ના સેન્સસ અનુસાર દેશમાં ૪૩૦,૦૦૦થી વધુ શીખો છે, જે સંખ્યા આજે ચોક્કસપણે વધી હશે. માત્ર લંડનમાં જ શીખ સમુદાયની સંખ્યા ૩૦૦,૦૦૦થી વધુ હશે. શીખ કોમ્યુનિટી સારી રીતે બ્રિટિશ સમાજ સાથે ભળી ગઈ છે જેમાં, સમાજને યોગદાન આપવા બદલ કદર કરાયેલી ઘણી શિક્ષિત વ્યક્તિઓનો પણ સમાવેશ થાય છે. કોમ્યુનિટીના સભ્યોએ બિઝનેસ, રાજકારણ, શિક્ષણ, બેન્કિંગ અથવા એડમિનિસ્ટ્રેશન સહિતના વિવિધ ક્ષેત્રોમાં નામના કાઢી છે. પોલીસદળમાં પણ શીખ પુરુષ અને મહિલાઓ સ્થાન
ધરાવે છે.
યુકેના શીખો તેમના અપનાવેલા દેશના શાંતિચાહક અને યોગદાન આપનારા નાગરિકો છે. મહામારીના કાળમાં હજારો લોકો માટે આ કોમ્યુનિટીની લંગર સેવા સરાહનીય બની રહી હતી. પોતાની સલામતીની પરવા કર્યા વિના જ અન્ય લોકોને ભોજન પહોંચાડવા આ કોમ્યુનિટીના સમર્પિત સભ્યોએ અવિરત કામગીરી બજાવી હતી. ભારત સહિત વિશ્વના વિવિદ વિસ્તારોમાં તેમની ઉદારતાની ભાવનાનું પ્રદર્શન થતું રહ્યું છે. થોડાં હજાર લોકો ઉદ્દામવાદી બન્યા છે અથવા ચોક્કસ હેતુપૂર્ણ લોકોપ્રેરિત પ્રચારમાં આવી ગયેલા લોકોના ગેરજવાબદાર વર્તનથી બહાદુર અને મહેનતુ શીખ કોમ્યુનિટીની છબી ખરડાય છે. યુકેમાં મારાં વસવાટ દરમિયાન યુકેના વિવિધ વિસ્તારોમાં શીખ ડાયસ્પોરાના વ્યાપક સમૂહો સાથે મારી મુલાકાતો થતી રહી હતી. આથી જ, ભારતીય હાઈ કમિશનની બહાર તેમની પ્રવૃત્તિથી મને ભારે દુઃખ થયું છે. દેખાવકારોમાં મુઠીભર લોકોએ આ મહેનતુ કોમ્યુનિટીની છબીને ભારે અન્યાય કર્યો છે.