ગુજરાત સરહદે સંયુક્ત લશ્કરી કવાયત કરશે ચીન-પાક.ની વાયુસેના

Tuesday 08th December 2020 16:32 EST
 

બેઈજિંગઃ ગુજરાતની સરહદ નજીક ચીન અને પાકિસ્તાનની વાયુસેના સંયુક્ત લશ્કરી કવાયત હાથ ધરશે. ચીનના ટોચના વિમાનો પાકિસ્તાનના સિંઘ પ્રાંતમાં પહોચી રહ્યા હોવાની જાહેરાત ચીની આર્મીના પ્રવક્તાએ કરી છે. ભારતીય વાયુસેના આ કવાયત પર ખાસ નજર રાખશે.
પાકિસ્તાનની વાયુસેના સાથે મળીને ચીની વાયુસેના ગુજરાતની સરહદ નજીક લશ્કરી કવાયત કરશે. બંને દેશોની વાયુસેના વચ્ચે સહકાર વધારવાના બહાને ચીન-પાકિસ્તાન ગુજરાતની હવાઈ સરહદ નજીક શક્તિ પ્રદર્શન કરવાની પેરવીમાં છે.
ચીની આર્મીના પ્રવક્તાએ કહ્યું હતું કે ડિસેમ્બરના અંતમાં બંને દેશોની વાયુસેના એકબીજા સાથે તાલમેલ સાધવા અને સહકાર વધારવાના હેતુથી સિંઘ પ્રાંતમાં લશ્કરી કવાયત કરશે. ચીનના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટમાંથી પણ આ અંગેની ટ્વિટ્સ કરવામાં આવી હતી. લગભગ ૫૦ જેટલા ચીનના ફાઈટર વિમાનો આ લશ્કરી કવાયતમાં ભાગ લેશે એવો દાવો મીડિયા અહેવાલોમાં થયો હતો.
અગાઉ ભારતના આ બંને પરંપરાગત દુશ્મન દેશોએ લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી) નજીક ૨૦૧૯માં સંયુક્ત લશ્કરી કવાયત હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે હિંદ મહાસાગરમાં અમેરિકા-જાપાન-ભારત-ઓસ્ટ્રેલિયાએ સંયુક્ત લશ્કરી કવાયત કરીને શક્તિ પ્રદર્શન કર્યું એ વખતે આ ચારેય દેશોની લશ્કરી કવાયતથી ચીન સમસમી ગયું હતું.


comments powered by Disqus