ઘાનાના પૂર્વ પ્રમુખ જેરી જ્હોન રોલિંગ્સની ચિરવિદાય

Wednesday 09th December 2020 07:32 EST
 
 

- રુચિ ઘનશ્યામ
ઘાનાના પૂર્વ પ્રમુખ જેરી જ્હોન રોલિંગ્સનું ૧૨ નવેમ્બર, ૨૦૨૦ના રોજ ૭૩ વર્ષની વયે નિધન થયું હતું. તેઓ ઘાનાના સૌથી લાંબો કાર્યકાળ ધરાવનારા રાષ્ટ્રવડા હતા. ૧૯૭૯માં લશ્કરી બળવા પછી તેમણે ત્રીજા ઘાના રીપબ્લિકના પ્રમુખ ડો. હિલ્લા લિમાનને સત્તાની સોંપણી કરી હતી. ૩૧ ડિસેમ્બર ૧૯૮૧ના રોજ બીજો બળવો થયા પછી રોલિંગ્સે ખુદ પ્રોવિન્સિયલ નેશનલ ડિફેન્સ કાઉન્સિલ (PNDC)નું ચેરમેનપદ સંભાળી લીધું અને આ હોદ્દા પર જ તેમણે જાન્યુઆરી ૧૯૯૩ સુધી ઘાના પર શાસન કર્યું હતું.
રોલિંગ્સે ૧૯૯૨માં મિલિટરીમાંથી ફ્લાઈટ લેફ્ટનેન્ટ તરીકે રાજીનામું આપી નેશનલ ડેમોક્રેટિક કોંગ્રેસ પાર્ટી (NDCP)ની સ્થાપના કરી અને ચોથા ઘાના રીપબ્લિકના નવા બંધારણ હેઠળ યોજાયેલી લોકશાહી ચૂંટણીમાં ઘાનાના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. નવા બંધારણમાં ઘાનાના પ્રેસિડેન્ટ તરીકે ૪ વર્ષની બે મુદતની જોગવાઈ હતી. તેમણે જાન્યુઆરી ૧૯૯૩થી જાન્યુઆરી ૨૦૦૧ સુધી બે વખત ચૂંટાયેલા પ્રમુખ તરીકે સેવા બજાવી હતી અને આ પછી, તેમણે વિજયને વરેલા વિપક્ષ ન્યૂ પેટ્રિઓટ પાર્ટીના વડા જ્હોન આગ્યેકુમ કુફોરને શાસનના સૂત્રો સોંપી દીધા હતા. આ પછી, ઘાનામાં દર ચાર વર્ષે લોકશાહી પદ્ધતિએ સત્તા પરિવર્તન જોવાં મળ્યું છે. એક રાજકીય પક્ષ પાસેથી અન્ય રાજકીય પક્ષને સત્તાની સરળ સોંપણી ઘાનામાં નિશ્ચિત જીવનશૈલી બની ગઈ છે. તાજેતરમાં ઘાનામાં શાંતિપૂર્ણ રીતે જનરલ ઈલેક્શન યોજાયું હતું. આજના આફ્રિકા ખંડમાં આ એક આવકારદાયક ઘટના ગણી શકાય.
હું ઘાનામાં ભારતીય રાજદૂત તરીકે સેવા આપી રહી હતી ત્યારે ફેબ્રુઆરી ૨૦૦૯માં નેશનલ ડે રિસેપ્શન દરમિયાન પહેલી વખત જેરી રોલિંગ્સ સાથે મારી મુલાકાત થઈ હતી. તેમના પૂર્વ વાઈસ પ્રેસિડેન્ટ અને પસંદગીના અનુગામી નવા પ્રમુખ પ્રોફેસર જ્હોન અટ્ટા મિલ્સે થોડા સપ્તાહો અગાઉ જ સત્તા સંભાળી હતી. હું ચાલીને તેમની પાસે ગઈ અને મારો પરિચય આપ્યો ત્યારે તેમણે મને તત્કાળ લશ્કરી સલામી આપી મને આશ્ચર્યમાં મૂકી દીધી હતી. મારું આશ્ચર્ય નિહાળી તેમણે સૌમ્યતાપૂર્વક કહ્યું કે હું જેનું પ્રતિનિધિત્વ કરી રહી છું તેવાં મહાન દેશ, ભારતના પ્રતિનિધિને સન્માન આપવું જ જોઈએ. અમે વધુ એક મુલાકાત માટે સંમત થયાં હતાં. સમૃદ્ધ ભારતીય કોમ્યુનિટીના કેટલાક સભ્યો નવી સરકાર કેવી નીતિઓ અને પગલાં અપનાવશે તે બાબતે ચિંતિત હોવાથી હું તેમને મળવા આતુર હતી. કોમ્યુનિટીને એમ લાગતું હતું કે રોલિંગ્સનું શાસન મધ્યમ વર્ગ પ્રત્યે કઠોર હતું અને તેમની નીતિઓ ખાનગી એકમોની સમર્થનકારી ન હતી.
એક સપ્તાહ પછી તેમની સાથે મારી મુલાકાત થઈ. રોલિંગ્સની સાથે તેમના પૂર્વ ફોરેન મિનિસ્ટર સહિત કેટલાક સહાયકો પણ હતા. તેમમે ઉષ્માપૂર્વક મને આવકારી અને સોફાના એક ખૂણાથી બીજા ખૂણે જતા જતા લગભગ ૪૫ મિનિટ જરા પણ અટક્યા વિના વાતો કરી હતી. તેઓ અટક્યા પછી પૂર્વ ફોરેન મિનિસ્ટરે વાતચીતનો દોર સંભાળી લીધો અને ફરીથી રોલિગ્સના હાથમાં સરળતાથી કમાન સોંપી દીધી. મેં તો આશા છોડી જ દીધી પરંતુ, હસ્તક્ષેપ કરી ભારતીય કોમ્યુનિટીની ચિંતાથી તેમને વાકેફ તો કરી જ દીધા. એ બેઠકમાં મને ચિંતિત ભારતીય કોમ્યુનિટી માટે થોડુંઘણું આશ્વાસન મેળવવામાં સફળતા પણ મળી. કદાચ તેમના વ્યક્તિત્વના સંપૂર્ણ પ્રભાવનો સામનો કરાયાથી દ્વાર ખુલી ગયું હશે પરંતુ, આ મીટિંગ પછી અમે સારા મિત્રો બની રહ્યા. રોલિંગ્સ ટોગો સરહદ નજીક પૂર્વ ઘાનાના તેમના ગામથી ઈન્ડિયા હાઉસ ખાતે મારાં વિદાય સમારંભમાં આવી પહોંચ્યા હતા અને તેમનું કહેવું હતું કે તેઓ કોઈ પણ રીતે આવવાનું ચૂક્યા જ ન હોત. આ અમારી આખરી મુલાકાત હતી.
રોલિંગ્સ પોતાની પાછળ વિવાદાસ્પદ વારસો છોડી ગયા છે. ઘણા ગરીબ ઘાનાવાસીઓ તેમને ભરપૂર પ્રેમ કરતા હતા પરંતુ, એવા પણ લોકો હતા જેમણે તેમના શાસનમાં ઘણું સહન કરવું પડ્યું હતું. રોલિંગ્સના શાસનમાં દેશના પૂર્વ વડાઓ અને આર્મી જનરલ્સની હત્યા તેમજ સુપ્રીમ કોર્ટના જજને ફાંસી સહિત માનવ અધિકારોના દુરુપયોગના ભરપૂર આક્ષેપો થયા હતા. ઘાનાવાસીઓ મોટી સંખ્યામાં આફ્રિકાના અન્ય દેશો, યુરોપ અને નોર્થ અમેરિકામાં સ્થળાંતર કરી ગયા હતા. આ કપરા સમયગાળામાં ભૂખ અને કુપોષણના કારણે ઘણા ઘાનાવાસીઓના હાંસડીના હાડકા સ્પષ્ટ જોવા મળતા હતા અને પોતાની વિશિષ્ટ રમૂજવૃત્તિમાં ઘાનાવાસીઓ તેને ‘રોલિંગ્સ નેકલેસ’ તરીકે ઓળખાવતા હતા.
હું રોલિંગ્સને આધુનિક કાળના દિલચસ્પ વ્યક્તિત્વ તરીકે યાદ રાખીશ. વિશ્વમાં તેઓ એકમાત્ર મિલિટરી લીડર હશે જેમણે એક નિષ્ફળ બળવા પછી બે સફળ લશ્કરી બળવાની આગેવાની કરી હતી અને પછી શાંતિપૂર્વક સત્તાના હસ્તાંતરણ પહેલા બે વખત લોકશાહી પદ્ધતિએ પોતાના દેશના પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયા હતા. સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ પછી પણ તેઓ ઘાનાના રાજકીય ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ રાજકીય બળ બની રહ્યા હતા અને નોંધપાત્ર અંગત અનુયાયીઓ અને લોકપ્રિયતા જાળવી રાખી હતી.
(શ્રીમતિ રુચિ ઘનશ્યામ ભારતના યુકેસ્થિત પૂર્વ હાઈ કમિશનર છે. ભારતીય વિદેશ સેવામાં ૩૮ કરતાં વધુ વર્ષની કારકિર્દી ધરાવવા સાથે તેમણે યુકેમાં આવતા પહેલા ઘાના સહિત અનેક દેશોમાં કામગીરી બજાવી હતી. ભારતની આઝાદી પછી યુકેમાં હાઈ કમિશનરનું પોસ્ટિંગ મેળવનારા તેઓ માત્ર બીજા મહિલા હતાં. તેમનાં કાર્યકાળ દરમિયાન તેઓ યુકે-ભારતના સંબંધોમાં નોંધપાત્ર વિકાસ અને ઘટનાઓનાં સાક્ષી
રહ્યાં છે.)


comments powered by Disqus