નવી દિલ્હીઃ પશ્ચિમ અરુણાચલ પ્રદેશમાં ભારત-ચીન અને ભુતાનની સરહદના ત્રિભેટે આવેલા બુમ લા પાસથી લગભગ પાંચ કિમી દૂર ઓછામાં ઓછા ત્રણ નવાં ગામ વસાવ્યાં છે. ચીન આ પ્રદેશમાં ભારત અને ચીન વચ્ચેની સરહદને વિવાદાસ્પદ ગણાવતો રહ્યો છે અને અરુણાચલના મોરચે પ્રાદેશિક દાવાને મજબૂત કરવા નવા નિર્માણકાર્યો કરાવી રહ્યો છે.
ચીનની વ્યૂહાત્મક નીતિઓ પર નજર રાખતા ડો. બ્રહ્મા ચેલાનીએ જણાવ્યું હતું કે, ચીન સરહદ પર ઘૂસણખોરી વધારવા અને તેના પ્રાદેશિક દાવાને મજબૂત કરવા ભારત સાથેની સરહદો પર સામ્યવાદી પાર્ટીના સમર્થક એવા તિબેટિયનો અને હાન ચીનાઓની વસાહતો વધારવાની વ્યૂહરચનાનો ઉપયોગ કરી રહ્યો છે.
રિપોર્ટમાં રજૂ કરાયેલી નવી સેટેલાઇટ ઇમેજ દર્શાવે છે કે ડોકલામથી ફક્ત ૭ કિમી દૂર ચીની ગામ વસાવવામાં આવ્યું છે. ચીનનો દાવો છે કે આ ગામ અમારા પ્રદેશમાં છે. દરેક ગામ પાકી સડકથી જોડાયેલાં છે. તે ઉપરાંત અહીંયા વીજળી, પાણી અને ઈન્ટરનેટની પણ સેવાઓ છે.
ઉલ્લેખનીય છે કે, ચીનની સરકારના મુખપત્ર ગ્લોબલ ટાઇમ્સે ઓગસ્ટ મહિનામાં આ ગામો અંગે વિગતવાર અહેવાલ રજૂ કર્યો હતો. અરુણાચલ પ્રદેશ સરહદ નજીક ચીનના શાન્નાન પ્રાંતની કોના કાઉન્ટી સરહદી વિસ્તારોના ૯૬૦ પરિવારના ૩૨૨૨ લોકોને આ પ્રકારનાં ગામોમાં વસાવી રહી છે. રિપોર્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, સરહદ પર વસતા આ ગ્રામીણો પશુને ચરાવવાના બહાને સરહદે પેટ્રોલિંગ કરે છે.