ટીમ ઘાયલ થતાં બોબી વાઈને ચૂંટણી પ્રચાર મોકુફ રાખ્યો

Wednesday 09th December 2020 07:22 EST
 
 

કમ્પાલાઃ બોબી વાઈન તરીકે જાણીતા યુગાન્ડાના પ્રમુખપદના ઉમેદવાર રોબર્ટ ક્યાગુલાન્યીએ તેમની પ્રચાર ટીમને ઈજા અને તેમની કારને થયેલા નુક્સાનને પગલે પ્રચાર મોકુફ રાખ્યો હતો. ૧લી ડિસેમ્બરે વાઈને જણાવ્યું હતું કે તેમની કાર પર ગોળીબાર કરાયો હતો અને ટાયરોમાં પંક્ચર થતાં કાર આગળ વધી શકે તેમ ન હતી. તેમણે ઉમેર્યું કે તેમના સ્ટાફના કેટલાંક સભ્યોને ઈજા થઈ હતી અને કેટલાંકની હાલત
ગંભીર છે.
બે અઠવાડિયા અગાઉ પ્રચાર રેલી દરમિયાન વાઈનની થોડા સમય માટે કરાયેલી ધરપકડના પગલે તેમને છોડી મૂકવા માટે તેમના ટેકેદારોએ કરેલા દેખાવોમાં ૫૪ લોકો માર્યા ગયા હતા. પાછળથી બોબી વાઈન પર કોરોના મહામારીના નિયંત્રણોનો ભંગ કરવાનો આરોપ મૂકાયો હતો અને તેમના જામીન મંજૂર કરાયા હતા.
તાજેતરમાં રાષ્ટ્રજોગ સંબોધનમાં પ્રમુખ યોવેરી મુસેવેનીએ પોલીસ અને લશ્કરના પગલાંનો એમ કહીને બચાવ કર્યો હતો કે કોઈ રાજકારણી પર કાર્યવાહી ન કરી શકાય તેવું નથી. આગામી જાન્યુઆરીમાં યોજાનારી ચૂંટણી પ્રચારમાં ગરમાવો આવ્યો છે.
પ્રમુખ મુસેવવેની ૧૯૮૬થી યુગાન્ડાના પ્રમુખપદે છે અને દેશમાં તેમના લાંબા સમયના શાસન સામે વિરોધ વધી રહ્યો છે. દેશમાં વિપક્ષી રાજકારણીઓની રેલીઓને સ્થગિત કરવા માટે સુરક્ષા દળોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.


comments powered by Disqus