ટીમ યુગાન્ડા હુવૈઈ ICT વિશ્વસ્પર્ધામાં પ્રથમ સ્થાન સાથે વિશ્વમંચ પર ઝળકી

Wednesday 09th December 2020 07:41 EST
 
 

કમ્પાલાઃ અગાઉ આફ્રિકામાં પ્રથમ સ્થાને રહ્યા પછી યુગાન્ડાના ત્રણ વિદ્યાર્થીઓએ ૩૯ દેશ અને ૧૦૩ ટીમ વચ્ચે યોજાયેલી વિશ્વકક્ષાની હુવૈઈ ICT સ્પર્ધામાં પણ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. કોવિડ-૧૯ મહામારીને લીધે તમામ ટ્રેનિંગ અને સ્પર્ધાની પ્રવૃત્તિ ઓનલાઈન પૂરી કરાઈ હતી. હુવૈઈ ICT ઓનલાઈન ગ્લોબલ ફાઈનલમાં ૩૯ દેશોના ૩૨૭ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સંખ્યા અત્યાર સુધીની સૌથી વધુ હતી. ઝામ્બિયા, લેસોથો અને સાઉથ આફ્રિકાની ટીમો પણ ગ્લોબલ ફાઈનલમાં પહોંચી હતી. હુવૈઈ યુગાન્ડા સ્થાનિક ધોરણે દસ યુનિવર્સિટીઓમાં પ્રથમ રહી હતી. ત્યાંની આ સ્પર્ધામાં ૨,૫૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. યુગાન્ડાનું પ્રતિનિધિત્વ કરતા મુનિના શેફિક ન્યાન્ઝી અને ઈમાનુએલ કિગુલી તથા લીરા યુનિવર્સિટીના ડોરિન નાલવોગા હુવૈઈ આઈસીટી કમ્પિટિશન ગ્લોબલ ફાઈનલ્સમાં શ્રેષ્ઠ દેખાવ સાથે પ્રથમ સ્થાને રહ્યા હતા. આફ્રિકા રીજનની ફાઈનલમાં પ્રથમ સ્થાન મેળવ્યા પછી વિશ્વમંચ પર યુગાન્ડા ક્વોલિફાય થયું હોય તેવું આ પ્રથમ વખત બન્યું હતું. હુવૈઈના ગ્લોબલ વાઈસ પ્રેસિડેન્ટ હોઉ તાઓએ વિદ્યાર્થીઓના અપ્રતિમ ઉત્સાહને ઉજાગર કર્યો હતો.
ધ હુવૈઈ આઈસીટી કોમ્પિટિશન વાર્ષિક આંતરરાષ્ટ્રીય સ્પર્ધા છે અને હુવૈઈ આઈસીટી એકેડમી પ્રોગ્રામમાં યુનિવર્સિટી વિદ્યાર્થીઓ અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે કોમ્યુનિકેશન પ્લેટફોર્મ છે. આ સ્પર્ધા દ્વારા હુવૈઈનો હેતુ વિદ્યાર્થીઓના આઈસીટી જ્ઞાનને તેમજ પ્રેક્ટિકલ અને એપ્લિકેશન સ્કીલને ચકાસવાનો અને આખરે ‘કનેક્શન, ગ્લોરી, ફ્યુચર’ની થીમ સાથે નવી શોધ માટે પ્રેરણા પૂરી પાડવાનો છે.
યુગાન્ડા અને એશિયા, લેટિન અમેરિકા, ઈસ્ટ યુરોપ અને મીડલ ઈસ્ટની અન્ય ૧૨ ટીમ વૈશ્વિક સ્પર્ધામાં ક્વોલિફાય થઈ હતી. હુવૈઈ આઈસીટીમાં ૨૦૧૭ થી નવી ટીમ તરીકે ભાગ લેતા હોવા છતાં આફ્રિકન વિદ્યાર્થીઓએ આ વર્ષે ખૂબ પ્રગતિ સાધી હતી. માત્ર પાંચ આફ્રિકન ટીમ ગ્લોબલ ફાઈનલ સુધી પહોંચી હતી અને ૧૩ ટીમની સરખામણીમાં માત્ર ત્રીજા ક્રમના એક ઈનામ સાથે કુલ સાત મેડલ જીત્યા હતા.
લીરા યુનિવર્સિટીના ડોરિન નાલવોગાએ હુવૈઈના અને સ્પર્ધાના અનુભવ વિશે જણાવ્યું હતું કે હુવૈઈ સાથે રહેવામાં શોખના ક્ષેત્રમાં પ્રોફેશનલ સર્ટિફિકેટ જેવા લાભ થયા હતા. હુવૈઈએ ICTના વિશ્વમાં જાણીતી સ્કીલ્સ શીખવાની વિદ્યાર્થીઓને તક આપી. હુવૈઈએ અમને નવી, ઈનોવેટિવ ટેક્નોલોજીનો અનુભવ કરવાની તેની પ્રેક્ટિસ કરવાની અને આગળ વધવાની તથા અમારી જાતને વિકસાવવાની તક આપી હતી. યુગાન્ડાના ત્રણ વિદ્યાર્થીઓની આ સિદ્ધિ યુવા પેઢીમાં સ્પર્ધાત્મક ICT પ્રતિભાને વિક્સાવવાના હુવૈઈ યુગાન્ડાના સતત પ્રયાસોથી મળી છે. યુગાન્ડાને કોવિડ મહામારી પૂરી થયા પછી બહાર આવવામાં અને ડિજીટલાઈઝેશન માટે તે વેગ પૂરો પાડશે.