ટેસ્કો અને મોરિસન બિઝનેસ રેટ્સ હોલિડેના £૮૫૦ મિલિયન સરકારને પરત ચૂકવશે

Wednesday 09th December 2020 06:57 EST
 
 

લંડનઃ યુકેના બે સૌથી મોટા સુપર માર્કેટ દબાણ સામે ઝૂકી ગયા છે. તેઓ સુપર માર્કેટ્સ કોરોના વાઈરસ મહામારીનો સામનો કરી શકે તેમાં મદદ માટે યુકે સરકાર પાસેથી બિઝનેસ રેટ્સમાં લીધેલા ૮૫૦ મિલિયન પાઉન્ડથી વધુ રાહતની રકમની પરત ચૂકવણી કરી રહ્યા છે. ટેક્સપેયરોના નાણાંની હકીકતે જરૂર એન્ટરટેઈનમેન્ટ અને હોસ્પિટાલિટી જેવા સેક્ટરોને હતી તેને આપી શકાયા હોત તેવી ચિંતા વચ્ચે આ રકમ લેવા માટે મોટા સુપરમાર્કેટ્સની ભારે ટીકા થઈ હતી.
એક આશ્ચર્યજનક પગલાંમાં ૨જી ડિસેમ્બરે સવારે ટેસ્કોએ ૫૮૫ મિલિયન પાઉન્ડ પરત ચૂકવવાની અને સાંજે મોરિસને પણ તેને મળેલી ૨૭૪ મિલિયન પાઉન્ડની પરત ચૂકવણી કરવાની જાહેરાત કરી હતી. ટેસ્કોના ચેરમેન જહોન એલને જણાવ્યું હતું કે અમને જે રેટ્સ રિલીફ મળી છે તે પાછી આપી દેવાનો બોર્ડે સર્વસંમતિથી નિર્ણય લીધો હતો. ટેસ્કોએ ગયા ઓક્ટોબરમાં ઈન્વેસ્ટર્સને ૩૧૫ મિલિયન પાઉન્ડ ચૂકવ્યા હતા. ટેસ્કોએ જણાવ્યું હતું કે રેટ્સ રાહતની એક – એક પેની કોરોના મહામારીના સામના માટે ખર્ચાઈ હતી. પરંતુ, પરત ચૂકવણી કરવામાં તે સમાજ પ્રત્યેની તેમની જવાબદારીઓ અંગે સજાગ છે. ટેસ્કોએ જણાવ્યું કે મહામારીને લીધે ખર્ચમાં ૭૨૫ મિલિયન પાઉન્ડનો વધારો થયો હતો. મોરિસને જણાવ્યું કે તેના ખર્ચમાં ૨૭૦ મિલિયન પાઉન્ડનો વધારો થયો હતો.
કોરોના મહામારીને લીધે સુપરમાર્કેટ્સની નાણાંકીય પરિસ્થિતિ વણસી જશે અને આખા દેશને જરૂરી ચીજવસ્તુઓ પૂરી પાડવાની તેમની ક્ષમતા સામે જોખમ ઉભું થશે. તેથી સરકારે ગયા માર્ચમાં ૧૨ મહિના માટે બિઝનેસ રેટ્સ હોલિડે અમલી બનાવી હતી. જોકે, સુપર માર્કેટ દ્વારા ઊંચા ભાવે વેચાણમાં ભારે વધારો નોંધાયો હોવાથી રિટેઈલ માર્કેટની સ્થિતિ અલગ જ રહી હતી. ખાસ કરીને તેમણે શેરહોલ્ડરોને ઉંચુ ડિવિડન્ડ ચૂકવ્યું છે ત્યારે સરકારને રકમ પાછી ચૂકવી દેવા તેમના પર દબાણ વધી રહ્યું છે.
પ્રોપર્ટી એડવાઈઝર એટલસ ગ્રૂપના આંકડા મુજબ ટેસ્કો, સેઈન્સબરીસ, અસડા, મોરિસન્સ, એલ્ડી અને લીડલ એમ છ મોટા સુપરમાર્કેટ ચાલુ ટેક્સ વર્ષ દરમિયાન ૧.૯ બિલિયન પાઉન્ડની બિઝનેસ ટેક્સ રિલીફ મેળવવાના હતા. બિઝનેસ રેટસ હોલિડે તરીકે B&Mને તેના નાણાંકીય વર્ષના પ્રથમ છમાસિક ગાળામાં ૩૮ મિલિયન પાઉન્ડ મળ્યા હતા. B&Mએ મહામારી દરમિયાન તેનો નફો બમણો થયા પછી ૨૫૦ મિલિયન પાઉન્ડનું સ્પેશિયલ ડિવિડન્ડ ચૂકવ્યું હતું.


comments powered by Disqus