બગીચો ખોદતાં મળ્યું ભોંયરું

Wednesday 09th December 2020 08:41 EST
 
 

લંડનઃ અખાએ ભલે તેના છપ્પામાં લખ્યું હોય કે છીંડુ શોધતાં લાધી પોળ, પણ આ બ્રિટનવાસી ગુજરાતીને બગીચો ખોદતાં ભોંયરું મળ્યું છે. વુલ્વરહેમ્પટનમાં છેલ્લા ચાર દસકાથી રહેતા ગુજરાતી દંપતીને અનાયાસે જ તેમના ઘરના બગીચાના ઘાસની નીચે છુપાયેલું દ્વિતીય વિશ્વયુદ્ધ સમયે બનાવાયેલું એક ભોંયરુ મળી આવ્યું છે. ૬૭ વર્ષના ખંડુ પટેલ તેમના ૬૨ વર્ષીય પત્ની ઉષાબહેનની સાથે આ મકાનમાં દસકાઓથી વસવાટ કરે છે.
સ્કૂલના કેરટેકર તરીકેની જવાબદારી સંભાળતા ખંડુભાઇએ એક અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારા ઘરની પાછળના ભાગના બગીચામાં એક ગટરના ઢાંકણા જેવું દેખાતું હતું. જેના તરફ શરૂઆતમાં મારું ધ્યાન ગયું હતું, પણ મેં તેના અંગે ખાસ વિચાર્યું નહોતું. જોકે લોકડાઉન દરમિયાન બાગકામ કરતાં કરતાં મેં અને મારા મિત્રે આ અંગે વધુ તપાસ કરવાનું નક્કી કર્યું હતું. અમે તે ઢાંકણ ઊંચક્યું તો કોંક્રિટ કામ જોવા મળ્યું. ત્યારબાદ અમે ખોદકામ કરાવ્યું તો અમને નીચેની તરફ પગથિયા મળ્યા હતા.
તેઓ કહે છે કે અમે આ ભોંયરામાં નીચે ઉતર્યા તો તે જમીનમાં ૧૦ ફૂટ ઊંડુ હતું અને સીડી પુરી થયા પછી પાંચ બાય દસ ફૂટનો એક નાનકડો રૂમ હતો. દ્વિતીય વિશ્વયુદ્ધ સમયે હવાઈ હુમલાથી બચવા માટે લોકોએ તેમના ઘરની નજીક જ આ પ્રકારના ભોંયરા તૈયાર કરાવ્યા હતા. આથી શક્ય છે કે આ ભોંયરું પણ આવા જ ઉદ્દેશ સાથે બનાવવામાં આવ્યું હશે.
હાલ તો ખંડુભાઇએ આ ભોંયરાને બારમાં ફેરવી દીધો છે. જ્યાં તેઓ અને પરિવારજનો હળવાશથી પળો માણે છે.


comments powered by Disqus