ભાંગ-ગાંજાને વિશ્વના સૌથી જોખમી ડ્રગ્સની યાદીમાંથી દૂર કરાયા

Wednesday 09th December 2020 07:05 EST
 

લંડનઃ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ની ભલામણના પગલે ભાંગ – ગાંજા (cannabis) અને કેનાબીસ રેઝિનને વિશ્વના સૌથી જોખમી ડ્રગ્સની યાદીમાંથી દૂર કરવા માટે યુએન કમિશન ઓન નાર્કોટિક ડ્રગ્સ દ્વારા બુધવારે મતદાન કરાયું હતું. આ પગલાંથી મેરિજુઆનાના વૈશ્વિક મેડિકલ ઉદ્યોગને અસર થઈ શકે.
વિયેનાસ્થિત એજન્સીએ જણાવ્યું કે કેનાબીસને આ યાદીમાંથી દૂર કરવા માટે યોજાયેલા મતદાનમાં તેના ૫૩ સભ્ય દેશોમાંથી ૨૭ મત તરફેણમાં અને ૨૫ વિરુદ્ધમાં પડ્યા હતા. એક દેશ વોટિંગથી અળગો રહ્યો હતો. NPR ના જણાવ્યા મુજબ રશિયાએ મેરિજુઆનાને સમગ્ર દુનિયામાં સૌથી વધુ દુરુપયોગ થયેલું ડ્રગ ગણાવીને પુનઃવર્ગીકરણનો વિરોધ કર્યો હતો. ચીન, ઈજિપ્ત, નાઈજીરિયા અને પાકિસ્તાને પણ વિરોધ કર્યો હતો જ્યારે યુક્રેને મત આપ્યો ન હતો.
કેનેડા અને ઉરુગ્વેએ મનોરંજનના હેતુસર કેનાબીસના વેચાણ અને ઉપયોગને કાયદેસર માન્યતા આપી છે. મેક્સિકો અને લક્ઝમ્બર્ગ પણ તે દિશામાં આગળ વધી રહ્યા છે. અન્ય ઘણાં દેશો મારિજુઆના રાખવાને ગુનો ગણતાં નથી.
જોકે, પુનઃ વર્ગીકરણને લીધે રાષ્ટ્રીય ધોરણે નક્કી કરાતા ડ્રગ નિયંત્રણમાં તાત્કાલિક કોઈ ફેરફાર થશે નહિ. ઘણાં દેશો માર્ગદર્શન માટે આંતરરાષ્ટ્રીય સંધિઓનું પાલન કરતા હોવાથી લાંબા ગાળે તેની અસર થશે. જોખમી અને ખૂબ નશો કરાવતા ડ્રગ્સની યાદીમાં હેરોઈન અને અન્ય કેટલાંક પદાર્થોનો સમાવેશ થાય છે. શિડ્યુલ I માં કોકેન, ફેન્ટાનીલ, મોરફિન, મેથાડોન. અફીણ અને ઓક્સિકોડોન તથા ઓકિ્સકોન્ટિન તરીકે વપરાતા ઓપિએટ પેઈનકિલરનો સમાવેશ થાય છે.
WHO એ બે વર્ષ અગાઉ યુએનને તેની ભલામણ કરી હતી. તેના મુજબ કેનાબીસની ખરાબ અસરો થઈ શકે અને તેના પર આધારિતતા વધી શકે પરંતુ, શિડ્યુલ IVની યાદીના અન્ય ડ્રગ્સની સરખામણીએ તેનાથી મૃત્યુ થવાનું
જોખમ નથી.


comments powered by Disqus