લંડનઃ મહામારી અને લોકડાઉનના સંજોગોમાં વ્યક્તિગત સ્વતંત્રતા મર્યાદિત બની જવા સાથે શોષણમાં વધારો થશે તેવી ચેતવણી સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ના નિષ્ણાતોએ આપી હતી. ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન (ILO) મુજબ દુનિયાભરમાં અંદાજે ૪૦ મિલિયન લોકોનું શોષણ થાય છે. વેઠ પ્રથા, દેવું વસૂલવા મજૂરી, ફોર્સ્ડ મેરેજ અને માનવ તસ્કરી ગુલામીના અદ્યતન પ્રકાર છે.
૨૦૧૯ની સ્થિતિએ વેઠ પ્રથા વિશેના પ્રોટોકોલને બહાલી આપવા માટે ILOના વેઠપ્રથાના પ્રોટોકોલે ૫૦માંથી ૪૭ રાષ્ટ્રને સંમત કર્યા હતા. તેમાંથી ૧૧ દેશ આફ્રિકામાં છે જેમાં ઝિમ્બાબ્વે, નામિબિયા, લેસોથો, મલાવી, મોઝામ્બિક, મડાગાસ્કર, માલી, દિબૌતી, આઈવરી કોસ્ટ, નીજર અને મૌરિટાનિયાનો સમાવેશ થાય છે. ILO મુજબ આ વર્ષે અત્યાર સુધીમાં ખાસ કરીને ઘરોમાં, બાંધકામ અને કૃષિક્ષેત્રમાં ૨૪.૯ મિલિયન વેઠ મજૂરો નોંધાયા છે. જ્યારે બળજબરીપૂર્વકના લગ્નના ૧૫.૪ મિલિયન અને બળજબરીપૂર્વકના જાતીય શોષણના ૪.૮ મિલિયન કિસ્સા નોંધાયા હતા. દુનિયાભરમાં વેઠપ્રથા ગેરકાયદેસર હોવા છતાં વિશ્વનાં કેટલાંક ભાગોમાં તે હજુ ચાલુ છે.