• ભારત બાયોટેક ઇમર્જન્સી ઉપયોગની મંજૂરી માંગીઃ કોરોના સામેની લડાઈના મોરચે વધુ એક સારા સમાચાર છે. ભારત બાયોટેકે તેની કોરોના રસી કો-વેક્સિનના ઈમર્જન્સી ઉપયોગ માટે સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન પાસે મંજૂરી માંગી છે. કો-વેક્સિનને ભારત બાયોટેકે આઈસીએમઆર અને નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજી સાથે સંયુક્ત રીતે વિકસાવી છે. એક દિવસ પહેલાં જ દુનિયાની સૌથી મોટી વેક્સિન કંપની સીરમે તેની વેક્સિન કોવિડશીલ્ડ માટે સીડીએસસીઓની મંજૂરી માંગી હતી. કોવિડશીલ્ડ બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકા કંપનીએ વિકસાવી છે. આ પહેલા શુક્રવારે અમેરિકન દવા કંપની ફાઈઝરે પણ પોતાની વેક્સિનને મંજૂરી આપવા માટે ભારતીય દવા ઉદ્યોગની નિયામક સંસ્થામાં અરજી કરી હતી. કો-વેક્સિન વિશે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચોથી ડિસેમ્બરે યોજાયેલી સર્વપક્ષીય બેઠકમાં આશા વ્યક્ત કરી હતી કે, આગામી કેટલાક હપ્તામાં આપણી પાસે સ્વદેશી વેક્સિન તૈયાર હશે.
• નવી સંસદના શિલારોપણ માટે સુપ્રીમની મંજૂરીઃ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નવી સંસદના શિલારોપણ માટે શરતી મંજૂરી આપી છે. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો વિરોધ કરતી અરજીનો કોર્ટ નિકાલ ના કરે ત્યાં સુધી સરકાર આ સાઇટ પર કોઈ બાંધકામ કે તોડફોડ નહીં કરી શકે. આ પ્રોજેક્ટ સામેની ફરિયાદ હાલ કોર્ટમાં વિચારણા હેઠળ છે તેમ છતાં કેન્દ્ર સરકારે નવી સંસદની બાંધકામની કામગીરીને આગળ ધપાવવાનો નિર્ણય કર્યો હતો તે બદલ જસ્ટિસ એ.એમ. ખાનવિલકરની બેન્ચે નારાજગી વ્યક્ત કરી હતી. જસ્ટિસ ખાનવિલકરે જણાવ્યું હતું કે અમે આદર વ્યક્ત કર્યો છે અને અપેક્ષા રાખી છે કે તમે ડહાપણભર્યું વર્તન કરશો. તમે પણ કોર્ટને સમાન આદર આપો અને ત્યાં કોઈ તોડફોડ કે બાંધકામ થવું ના જોઈએ. જોકે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને ખાતરી આપી હતી કે કોઈ તોડફોડ કરવામાં નહીં આવે, કોઈ બાંધકામ નહી થાય અને કોઈ વૃક્ષને પણ પાડવામાં નહીં આવે. નોંધનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૧૦ ડિસેમ્બરે એક સમારોહમાં નવા સંસદભવન માટે શિલારોપણ કરશે. નવા બિલ્ડિંગમાં કોઈ સેન્ટ્રલ હોલ નહીં હોય રૂ. ૯૭૧ કરોડના ખર્ચમાં તૈયાર થનાર નવા સંસદભવનમાં, લોકસભાની ચેમ્બરમાં ૮૮૮ બેઠકો હશે જ્યારે રાજ્યસભાની ચેમ્બરમાં ૩૮૪ બેઠકો હશે.
• નવી સદીના નિર્માણ, વિકાસ માટે જૂના કાયદાઓ બોજારૂપઃ ખેડૂતો કેન્દ્રના નવા કૃષિ કાયદાઓના વિરોધમાં દિલ્હીમાં આંદોલન ચલાવી રહ્યા છે અને આઠમીએ ભારત બંધનું એલાન કર્યું છે જેને ૧૦ ટ્રેડ યુનિયન અને ૧૧ પક્ષોનો ટેકો છે. બીજી તરફ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત જાહેરમાં નવા કૃષિ કાયદાના વખાણ કર્યા છે અને દાવો કર્યો છે કે વિકાસ માટે આ કાયદામાં સુધારા જરૂરી છે. બીજી તરફ કેન્દ્ર સરકારે ખેડૂતોના ભારત બંધ વચ્ચે રાજ્યોને કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરાવવા કહ્યું છે. વડા પ્રધાને આગ્રા મેટ્રો રેલ પ્રોજેક્ટને લોંચ કરતી વેળાએ કહ્યું હતું કે અમારી સરકારે જે પણ પરિવર્તનના કામો કર્યા છે તેની અસર ચૂંટણીઓમાં પણ જોવા મળી છે. વર્ષો જૂના કાયદાઓ હાલ બોજ બની રહ્યા છે અને એવામાં તેમા સુધારા કરવા પણ એટલા જ જરૂરી છે. તેમણે કહ્યું હતું કે વિકાસ માટે સુધારા કરવા અતી જરૂરી છે, અગાઉની સદીના જુના કાયદાઓના આધારે આગામી સદીને આપણે નહીં તૈયાર કરી શકીએ.
• આંધ્રમાં અજ્ઞાત બીમારીની ૨૦૦ બીમારઃ આંધ્ર પ્રદેશમાં પશ્ચિમ ગોદાવરી જીલ્લાના એલુરુમાં એક અજ્ઞાત બીમારી ફેલાઈ રહી છે. વિવિધ વિસ્તારોમાંથી શનિવારે રાત સુધીમાં તેના ૫૫ કેસ સામે આવ્યા હતા. રવિવાર સવાર સુધીમાં આ સંખ્યા ૧૭૭ અને બપોર સુધીમાં ૨૦૦ થઈ ગઈ છે. એલુરુની સરકારી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. મોહને જણાવ્યું હતું કે બીમાર થનારાની સંખ્યા વધી રહી છે. શનિવારથી રવિવાર સવાર સુધીમાં આશરે ૧૪૦ લોકોને દાખલ કરવામાં આવ્યા છે. બાદમાં તેમને રજા આપવામાં આવી હતી. દર્દીમાં ચક્કર આવવા, માથાનો દુખાવો અને વાઈ જેવા લક્ષણ દેખાઈ રહ્યા છે. આ બીમારી અંગે હજુ સુધી જાણી શકાયુ નથી. વેસ્ટ ગોદાવરી અને કૃષ્ણ જીલ્લાના વિવિધ હોસ્પિટલોની મેડિકલ ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી ગઈ છે. અહીં ખાસ શિબિરમાં દર્દીની સારવાર ચાલી રહી છે.
• દિલ્હીમાં ઘૂસેલા પાંચ ત્રાસવાદી પકડાયાઃ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે સોમવારે પૂર્વ દિલ્હીના શકરપુરમાંથી પાંચ આતંકીને પકડી લીધા હતા. તેઓ ભારત બંધનાં એલાન અગાઉ દિલ્હીમાં ભાંગફોડના ઉદ્દેશ સાથે ઘૂસ્યા હોવાનું માનવામાં આવે છે. પાંચમાંથી બે પંજાબના છે અને ત્રણ કાશ્મીરના છે. પંજાબના બન્ને ત્રાસવાદીઓ શૌર્યચક્ર વિજેતા ૬૨ વર્ષના ભૂતપૂર્વ સીપીઆઈ(એમ) સભ્ય કોમરેડ બલવિંદરસિંહની હત્યા સાથે સંકળાયેલા હોવાનું માનવામાં આવે છે. પોલીસે જણાવ્યું હતું કે દિલ્હી રેન્જની પોલીસની એક ટુકડી પાછલા બેથી ત્રણ મહિનાથી આ પાંચ લોકોની મૂવમેન્ટ પર નજર રાખી રહી હતી અને રવિવારે રાત્રે બાતમી મળી હતી કે તેઓ સોમવારે દિલ્હીમાં આવી રહ્યા છે. આ માહિતીને પગલે ટ્રેપ ગોઠવવામાં આવી હતી.
• તો મુંબઇ એરપોર્ટ પર ગુનો નોંધાશેઃ મુંબઇ એરપોર્ટ પર ઉતરનારા કેટલાક પ્રવાસીઓ કોરોનાની તપાસણી અને ટેસ્ટ માટે ઇન્કાર કરે છે. તેમજ સંબંધિત અધિકારીઓ સાથે લમણાઝીંક કરે છે. આ બાબત ધ્યાનમાં લેતાં તપાસણી અને ટેસ્ટ કરવા સહયોગ ન આપતા પ્રવાસીઓ વિરુદ્વ ગુનો દાખલ કરવાનો નિર્ણય એરપોર્ટ ઓથોરિટીએ લીધો છે. તપાસણી દરમિયાન પ્રવાસીઓને હેરાનગતિ ન થાય તેનું ધ્યાન રાખવામાં આવે છે. પ્રવાસ શરૂ કરવા પહેલાં કોરોના ટેસ્ટ કરીને મુંબઇ આવતાં પ્રવાસીઓ માટે સ્વતંત્ર કતારની વ્યવસ્થા કરાઇ છે. જોકે કેટલાક પ્રવાસીઓ તપાસણી સામે વિવાદ ઊભો કરે છે. કોરોનાગ્રસ્ત પ્રવાસીથી મુંબઇગરાઓને સંક્રમણ ન થાય એ માટે આ તકેદારી લેવાઇ છે.
• ચીનમાંથી ભારતની આયાત ઘટી, નિકાસ વધીઃ કેલેન્ડર વર્ષ ૨૦૨૦ના પ્રથમ ૧૧ મહિના દરમિયાન લદ્દાખ સરહદ પર ટેન્શન અને કોરોના વાઇરસના રોગચાળાની આર્થિક અસર હોવા છતાં ભારતમાંથી ચીનમાં થતી આયાતમાં ૧૬ ટકાનો વધારો થયો હતો તેમ ચાઇનીઝ કસ્ટમ્સના લેટેસ્ટ આંકડા દર્શાવે છે. સમાન ગાળા દરમિયાન ચીનમાંથી ભારતમાં થતી આયાતોમાં ૧૩ ટકાનો ઘટાડો નોંધાયો હતો તેમ ચાઇનીઝ સરકારી મીડિયાએ જણાવ્યું હતું. ચાઇનીઝ મીડિયાએ આરોપ મૂક્યો હતો કે ઇસ્ટર્ન લદ્દાખમાં લાઇન ઓફ એક્સ્ચુઅલ કંટ્રોલ પર બન્ને દેશો વચ્ચેના ઘર્ષણના મુદ્દાને રાજકીય મુદ્દો બનાવી ભારતીય સરકારે ચાઇનીઝ આયાતો પર નિયંત્રણો મૂક્યા છે.