અમદાવાદઃ ગુજરાતીઓ એટલે દાળ-ભાત ખાઈને વેપાર-ધંધો કરી જાણે... વર્ષોથી આ જ બે ઓળખ ગુજરાતીઓને વગોવવા માટે વપરાતી આવી છે. પરંતુ ડો. નીતા પટેલ નામના એક મહિલાએ દરિયાપારના દેશમાં પોતાના નક્કર કામ થકી આગવી ઓળખ ઉભી કરી છે. વિશ્વને કોરોનાથી મુક્ત કરાવવામાં પોતાનું બહુમૂલ્ય યોગદાન આપી રહ્યાં છે. તેઓ યુએસમાં ‘નોવાવેક્સ’ વેક્સિન વિકસાવવા દિવસ-રાત એક કરી રહેલી ટીમનું સુકાન સંભાળી રહ્યાં છે.
કોરોના વાઇરસની વેક્સિન વિકસાવી રહેલી અમેરિકાની ‘નોવાવેક્સ’ ફાર્મા કંપનીમાં આ ગરવી ગુજરાતણ વેક્સિન ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં સિનિયર ડાયરેક્ટર તરીકે કાર્યરત છે.
કંપનીએ તૈયાર કરેલી વેક્સિનના ત્રીજા તબક્કાની ટ્રાયલ બ્રિટન અને સાઉથ આફ્રિકામાં ચાલી રહી છે. રોમાંચક વાત એ છે કે આ વેક્સિન તૈયાર કરવા માટે અમેરિકન સરકાર તરફથી નોવાવેક્સ કંપનીને ૧.૬ બિલિયન ડોલરની ગંજાવર સહાય મળી છે.
આ વેક્સિન ડેવલપમેન્ટના પાયામાં રહેલાં ૫૬ વર્ષીય ડો. નીતા પટેલ વિશે તેમના બોસ એક જ વાક્ય કહે છેઃ ‘શી ઇઝ જિનિયસ.’
અવરોધો ઓળંગીને સફળતાના શિખરે
પરિવારની આર્થિક સ્થિતિ એવી ખરાબ કે રોજ ઉઘાડા પગે એકનાં એક કપડાં પહેરીને સ્કૂલે જવું અને બસના ભાડાના પૈસા પણ પાડોશી પાસેથી માગવા પડે. પરંતુ આ કઠણાઈઓ નીતા પટેલને તેમના ધ્યેય પરથી ચલિત કરી શકી નહીં. ભણવામાં તેજસ્વી એટલે એક પછી એક ધોરણની સીડીઓ પણ ફટાફટ ચડાતી ગઇ. સરકારી શિષ્યવૃત્તિઓએ પણ તેમનો રાહ આસાન કરી આપ્યો.
નીતાબહેન વિશે કહેવાય છે કે તેમની યાદદાસ્ત ‘ફોટોગ્રાફિક’ છે. યાને કે એમની આંખ સામે એક વાર કોઇ વાહનની નંબરપ્લેટ કે ટેલિફોન નંબર આવી જાય, એટલે એમના દિમાગમાં તે કાયમ માટે પ્રિન્ટ થઇ ગયો સમજો! આગળ જતાં એમણે એક નહીં, પણ બબ્બે વખત માસ્ટર્સ ડિગ્રી હાંસલ કરી, એક ભારતમાં અને બીજા અમેરિકામાં. તે પણ એપ્લાઇડ માઇક્રોબાયોલોજી અને બાયોટેક્નોલોજીમાં. અને આ સાથે સોજિત્રાની નીતા બની ગઇ ડો. નીતા પટેલ.
બાળપણથી એક લક્ષ્યઃ ડોક્ટર જ બનવું છે
આણંદ જિલ્લાના સોજિત્રા ગામે જન્મેલાં નીતાબેન માંડ ચાર વર્ષનાં હતાં ત્યારે તેમના પિતાને ટીબીનો વ્યાધિ લાગુ પડ્યો. એક તબક્કે મોતના મુખમાં પહોંચી ગયેલા પિતાને આ રોગથી રિબાતા જોયા હતા. પરિણામ એ આવ્યું કે એમના પિતા ક્યારેય ફરી વાર કામે ચડી શક્યા નહીં અને પરિવાર કારમી ગરીબીમાં ધકેલાઈ ગયો. નાનપણમાં જ પિતાની કહેલી એક વાત નાનકડી નીતાએ ગાંઠે બાંધી લીધેલી કે મોટા થઇને ડોક્ટર બનવું અને કોઈ પણ ભોગે ટીબીની દવા શોધવી. નીતાબહેને તેમના પિતાને વચન આપ્યું કે તેઓ આ દિશામાં અવશ્ય કાર્ય કરશે, પરંતુ તેઓ ટીબીથી પણ વધુ જીવલેણ કોરોનાની અકસીર રસી વિકસાવવાની દિશામાં ઝડપભેર આગળ વધી રહ્યા છે.