નવી દિલ્હી: મંત્રણાના બણગા ફૂંકતા ચીનની સેનાએ પેંગોંગ ત્સોના ઉત્તર કિનારા પર પોતાના દળોની અદલાબદલી શરૂ કર્યાના અહેવાલ છે. સોમવારે એલએસી પર આવેલા ચુશુલમાં ભારત અને ચીનના લશ્કરી અને રાજદ્વારી અધિકારીઓ વચ્ચે સાતમા રાઉન્ડની મંત્રણા શરૂ થઇ હતી, પણ ભારતીય સેનાના કમાન્ડરોના જણાવ્યા અનુસાર ચીની સેનાએ એલએસી પર તહેનાત દળોનો જુસ્સો જાળવી રાખવા ફિંગર ફોરથી પેંગોંગ ત્સોના ઉત્તર કિનારા પર વધારાની બ્રિગેડ મોકલી છે. ચીની સેના એક સમયે ૨૦૦ સૈનિકોને બદલી રહી છે. તેનો અર્થ એ થયો કે ચીની સેના આ શિયાળામાં એલએસી પરથી સેના પાછી ખેંચે તેવી કોઇ સંભાવના નથી.
ચીન દેપસાંગમાં ૫૦ ટેન્કો તૈનાત કરી
ચીને સરહદ પર ૬૦ હજારથી વધુ સૈનિકો ખડક્યા છે તેવા અહેવાલોની સાથે હવે લદ્દાખમાં એલએસીની ખૂબ જ નજીક ચીને ૫૦થી વધુ ટેન્કો પણ ખડકી છે. ચીને દેપસાંગ વિસ્તારમાં ૨૫ વધારાની ટેન્કો અને ૨૫ જેટલા ઈન્ફ્રન્ટ્રી કોમ્બેટ વ્હિકલ તૈનાત કર્યાના અહેવાલ છે. આ વિસ્તારમાં અગાઉથી જ ચીનના ૩૦૦૦થી વધુ સૈનિકો અને ૫૦ જેટલી ટેન્કો તૈનાત છે.
ચીને આ વિસ્તારમાં જમીન પરથી હવામાં પ્રહાર કરી શકાય તેવી મિસાઈલ, ઓટોમેટિક ગન્સ, રોકેટ લોન્ચર સિસ્ટમ અને એર ડિફેન્સ સિસ્ટમ પણ તૈનાત કરી છે. દેપસાંગ વિસ્તારમાં ટેન્કો અને આર્મર્ડ વ્હિકલ્સને સરળતાથી ગોઠવી શકાય છે.
ગલવાન લડાઈમાં પાકિસ્તાની સૈનિકોએ ચીનને મદદ કરી
ગલવાન ઘાટીમાં આ વર્ષે જૂનમાં ભારતીય જવાનો અને ચીનના સૈનિકો વચ્ચે સંઘર્ષ થયો હતો જેમાં ૨૦ ભારતીય જવાનો શહીદ થયા હતા. આ સંઘર્ષમાં ચીનને પાકિસ્તાન આર્મીએ મદદ કરી હોવાનો દાવો કેટલાક અહેવાલોમાં થઈ રહ્યો છે.
ભારતે તેનો મિસાઈલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ચાલુ રાખ્યો છે અને સ્માર્ટ તથા રૂદ્રમ-૨ સહિતની અત્યાધુનિક મિસાઈલોનાં પરીક્ષણો કર્યાં છે. વહેલી તકે આ મિસાઈલોને સૈન્યમાં પ્રવેશને મંજૂરી અપાઈ રહી છે ત્યારે ગુપ્તચર સંસ્થા રોના અહેવાલનો ભારત માટે તેના બંને પ્રતિદ્વંદીઓ સામેની તૈયારીઓને વધુ મજબૂત કરવા અને ચિંતાનું કારણ બની શકે છે. રોના અધિકારીઓના જણાવ્યા મુજબ ભારતનો સામનો કરવા માટે ચીન અને પાકિસ્તાન વચ્ચે સૈન્ય સહકાર વધ્યો છે. ભારતના ચિફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે પણ અમેરિકા-ભારત વ્યૂહાત્મક ભાગીદારી ફોરમની પરિષદમાં ચેતવણી આપી હતી કે, ભારતે બે મોરચે યુદ્ધ લડવું પડે તેવી પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે.