- કોકિલા પટેલ
ગુજરાત સમાચાર પરિવાર માટે ગત બુધવારની સવાર ખૂબ જ દુ:ખદાયક બની. ગત મંગળવારે રાત્રે બન્ને સાપ્તાહિકો પ્રીન્ટરને રવાના કરી બુધવારે સવારે આરામથી મીઠી નિંદર માણતા હતા ત્યાં જ બુધવારની વહેલી સવારે મોબાઇલ ફોન રણકી ઉઠ્યો. અમે અર્ધી ઉંઘમાં જ ફોન ઉપાડ્યો અને સામેથી ધ્રુસકે ધ્ુસકે રડવાનો અવાજ સંભળાયો, “કોકી ફોઇ, પપ્પા આપણને મૂકી જતા રહ્યા!!” આ સાંભળી હું સફાળી બેઠી થઇ, મનમાં થયું કંઇક સાંભળવામાં ભૂલ તો નથી થઇને!!? ફરી ફોનમાં મારી ખાસ બહેનપણી અને ગુજરાત સમાચારની સાથીદાર જયોત્સનાનો હૈયાફાટ રુદન કરતો અવાજ સંભળાયો, “કોકી, તારો ભાઇ અને મારો ડીયર, D.R. Shah જતા રહ્યા. ઘડીભર તો હું સ્તબ્ધ થઇ ગઇ. જયોત્સનાને રડતે અવાજે શાંત્વના પાઠવી મેં અમારા ગુજરાત સમાચાર પરિવારના વડીલ સી.બી. પટેલને ફોન કર્યો. સી.બી.ને પણ મારા પહેલાં જ આ માઠા સમાચાર મળી ગયા હતા પણ કોઇએ સવારે મજાક કરતો ફોન કર્યો હશે અથવા એમની સાંભળવામાં ભૂલ થઇ છે એમ સમજી નિત્યક્રમમાં પડી ગયા. મેં સી.બી.ને આ સમાચાર વાસ્તવિક રીતે સાચા છે એવું કહેતાં એ પણ લાગણીવશ બની ગયા.
ગુજરાત સમાચાર સાથે પત્રકાર તરીકે ૧૯૮૩ના જુલાઇથી જોડાયેલાં જયોત્સનાબહેન શાહના પતિ અને બેંક ઓફ બરોડાની લંડન બ્રાંચના એક સ્પેશીયલ ડિપાર્ટમેન્ટના મેનેજર અને હાલમાં ફાઇનાન્સીયલ એડવાઇઝર તરીકે કાર્યરત દિનેશચંદ્ર રસિકલાલ શાહ જેઓને સૌ D.R.ના નામે જ ઓળખતા. સ્વભાવે નમ્ર અને અજાણ્યાને પણ પોતાના કરી લે એવો સ્વભાવ ધરાવનાર D.R. અસંખ્ય જરૂરતમંદો માટે મસીહા બન્યા છે. જેમનો કોઇ બેલી ના હોય એનો હાથ ઝાલી યોગ્ય માર્ગદર્શન આપનાર D.R. શાહની અણધારી ચિરવિદાયથી માત્ર એમના કુટુંબમાં જ નહિ પણ એમના વતન ડભોઇમાં પણ ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ છે.
D. R.ને પેટમાં થોડી તકલીફ જણાતાં ત્રણેક વીક પહેલાં એમનું નોર્થવીક પાર્ક હોસ્પિટલની સેન્ટ માર્કસ હોસ્પિટલમાં ચેક અપ કરાયું હતું. એ પછીના વીકે જ એમનું ઓપરેશન કરાયું હતું એ વખતે સારવાર દરમિયાન જ એમનું અણધાર્યું, દુ:ખદ નિધન થયું.
આ દુ:ખદ ઘટનાથી જયોત્સનાબેન, એમના બે દીકરા જીગર, હાર્દિક, દીકરી હેમા તથા પુત્રવધૂઓ નમીતા, હિરલ અને જમાઇ મનીષ તથા પાંચ ગ્રાન્ડચિલ્ડરન ઉંડા શોકમાં ગરકાવ થઇ ગયા છે. જયોત્સના અને D.R. સાથે મારો ૪૦ વર્ષ પહેલાંનો સંબંધ. મારા પિતાજીને દાળની મિલ અને તમાકુની ખળીનો બીઝનેસ હતો. D.R. બેંક ઓફ બરોડાની આણંદ અને વાસદની બ્રાંચ સાથે કાર્યરત હતા ત્યારે મારા પિતાજીને ત્યાં ઇન્સપેકશન માટે અવારનવાર આવતા. D.R.ને મારા ભાઇ સાથે પણ ખૂબ મિત્રતા હતી. લંડનમાં અચાનક જ D.R. સાથે મેળાપ થઇ જતાં જયોત્સનાની ભલામણ થકી હું ૧૯૮૩ના નવેમ્બરથી ગુજરાત સમાચાર સાથે જોડાઇ. D.R. અને જયોત્સનાનાં પ્રેમલગ્ન થયેલાં. આ 'દો હંસો કા જોડા" જેવી પ્રણયબેલડી વચ્ચે ગજબનો પ્રેમ જોયો છે. ગુજરાત સમાચાર કાર્યાલયમાં બન્ને છાપાં પ્રેસમાં જતાં બુધવારે અમારે ઘરે જતાં ખૂબ મોડું થાય. જયોત્સના સાથે રોજે રોજ એક જ થાળીમાં જમનારા D.R.ને બુધવારે જયોત્સના વગર કોળીયો ગળે ના ઉતરે. જયોત્સના પણ એટલી જ સમર્પિત. સાંજે અમે બન્ને સાડા છ-સાથે ઓફિસમાંથી નીકળીએ એટલે રસ્તામાંથી જ જયોત્સના એના D.R.ને ફોન પર કહી દે અને D.R. કીંગ્સબરી સ્ટેશને ટાઇમસર જયોત્સનાને લેવા ઉભા જ રહે. આજે એ જ્યોત્સના છેલ્લા દિવસોના શબ્દો યાદકરીને મને કહે છે કે, “છેલ્લા એક મહિનાથી તેઓ મને વારંવાર કહે, “હું તને ખૂબ પ્રેમ કરું છું, હું ખરેખર તને ખૂબ ચાહું છું, આઇ લવ યુ". ત્યારે હું કહેતી કે, છોડોને યાર, આ ઉંમરે તમને કેવું પાગલપણ છે!! ત્યારે મને ખબર નહોતી કે મારા જીવનનો આ પ્રેમાળ હંસલો અગોચરમાં ઉડી જવાનો છે!!”
ગુજરાત સમાચારના પૂર્વ મેનેજીંગ એડિટર અને હાલ કન્સલ્ટંટ એડિટર તરીકે કાર્યરત જયોત્સનાબહેન શાહને અને D.R. શાહથી ભાગ્યે જ કોઇ અજાણ હશે. D.R.ની ચિરવિદાયના સમાચાર વાયુવેગે ફેલાતાં સૌએ દિલગીરી વ્યક્ત કરતા સંદેશા ફોન પર પાઠવ્યા છે.

