નવી દિલ્હીઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની પહેલી ભારત મુલાકાત માટે આવતા મહિને ફેબ્રુઆરીમાં ભારત આવી શકે છે. એક અમેરિકી અધિકારીએ બ્લૂમબર્ગને જણાવ્યું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ફેબ્રુઆરી મહિનામાં ભારત આવવાનું વિચારી રહ્યા છે.
નોંધનીય છે કે ભારતે ગત વર્ષે ટ્રમ્પને ગણતંત્ર દિવસ સમારોહમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું. જોકે અમેરિકન રાષ્ટ્રપતિ ત્યારે આવવાનો ઇનકાર કર્યો હતો.
ટૂંક સમયમાં નક્કી થશે તારીખ
બંને દેશ આ મુલાકાતની રૂપરેખા નક્કી કરવામાં લાગ્યા છે. એક વરિષ્ઠ ભારતીય અધિકારીએ નિયમોના માધ્યમથી નામ ન જાહેર કરવાની શરતે જણાવ્યું કે આ મુલાકાત માટે બંને દેશોની વ્યસ્તતા અને ફૂરસતના આધારે સુવિધાજનક તારીખ નક્કી કરવા પર કામ ચાલી રહ્યું છે.
ઓછા વિકાસદરનો સામનો કરી રહ્યું છે ભારત
ધ હિંદુ ન્યુઝપેપરે સૂત્રોના માધ્યમથી જણાવ્યું છે કે ટ્રમ્પ અને મોદી લાંબા સમયથી લંબાયેલી દ્વિપક્ષીય ટ્રેડ ડીલ ઉપરાંત સિવિલ એવિએશન પર એક સમજૂતી પર સહી કરી શકે છે. ટ્રમ્પની આ મુલાકાત એવા સમયમાં થશે. જ્યારે ભારત ૨૦૦૯ પછી સૌથી ઓછો વિકાસદરનો સામનો કરી રહ્યો છે અને સીએએને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યાં છે.
હાઉડી મોદીમાં જોવા મળ્યા હતા ટ્રમ્પ
ભારતીય વડા પ્રધાન મોદીના અમેરિકાના હ્યુસ્ટનમાં થયેલા ‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં ટ્રમ્પ મોદી સાથે મંચ પર જોવા મળ્યા હતા. આ બંને નેતાઓએ એકબીજાના વખાણ કર્યાં હતાં.

