ઊંઝાઃ ૧૨૬ દેશમાં વસતા પાટીદારોની એકતા માટે કાર્યરત વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા એનઆરઆઈ યજ્ઞ-પૂજા તથા એનઆરઆઈ સ્નેહમિલન સમારોહ વિશ્વ ઉમિયાધામ, જાસપુર ખાતે સાતમીએ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ૪૦૦થી વધુ એનઆરઆઈ ઉપરાંત મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, મહેસૂલ પ્રધાન કૌશિક પટેલ, ઊર્જા પ્રધાન સૌરભ પટેલ, ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા, ધારાસભ્યો બાબુભાઈ જમનાદાસ પટેલ, અરવિંદભાઈ પટેલ, વિશ્વ ઉમિયા ધામના ટ્રસ્ટીઓ, એનઆરઆઈ દાતા ટ્રસ્ટીઓ તેમજ સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત હતાં. મુખ્ય પ્રધાને અહીં જણાવ્યું કે, વિશ્વનાં દેશો ગુજરાત સાથે સંબંધો વધારવા ઉત્સુક છે. દર સપ્તાહે બે વિદેશી ડેલિગેશનને મળું છું. તેનો અર્થ એ કે, વડા પ્રધાન મોદીસાહેબે જે વિકાસની દિશા કંડારી છે તેનાથી વિખ્યાત ઉદ્યોગપતિઓ પણ ગુજરાતમાં રોકાણ કરે છે. અહીં ઉપસ્થિત એનઆરઆઈ દાતાઓએ પ્રતિષ્ઠાની સાથે લક્ષ્મી પ્રાપ્ત કરી છે. તેના સદ્ઉપયોગ માટે અહીં જાહેરાત પણ કરી છે ત્યારે તેઓને ગુજરાતની જનતા વતી વિશ્વાસથી વ્યક્ત કરું છું કે અહીં આપેલા એક-એક રૂપિયાનો સદુપયોગ થશે.
