કાશ્મીરમાં ઉચ્ચ પોલીસ અધિકારી સાથે હિઝબુલના બે આતંકવાદીઓ ઝડપાયા

Thursday 16th January 2020 02:33 EST
 
 

શ્રીનગર: જમ્મુ-કાશ્મીર પોલીસે ઓગસ્ટ ૨૦૧૯માં નવા રચાયેલા કેન્દ્ર શાસિત પ્રદેશના કુલગામ જિલ્લાના કાઝીગુંડ વિસ્તારમાં મીર બાઝાર નજીકથી ૧૨મીએ બપોરે ડેપ્યુટી પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ (ડીએસપી) દેવિન્દર સિંહને પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દિનના બે આતંકવાદી સાથે ઝડપી લીધા હતા. દક્ષિણ કાશ્મીરના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ (ડીઆઇજી) અતુલ ગોયેલના નેતૃત્વમાં પોલીસ પાર્ટીએ દેવિન્દરની સાથે હિઝબુલ મુજાહિદ્દિનના નાવિદ બાબુ અને આસિફ રાથેરની ધરપકડ કરી હતી. કાશ્મીરના શોપિયાનો નાવિદ બાબુ હિઝબુલ મુજાહિદ્દિનનો ટોચનો કમાન્ડર છે અને આસિફ રાથેર ૩ વર્ષ પહેલાં હિઝબુલ મુજાહિદ્દિનમાં સામેલ થયો હતો. ત્રણે દ્વારા ઉપયોગમાં લેવાયેલી સફેદ રંગની મારુતિ કારમાંથી પોલીસે બે એકે ૪૭ રાઇફલ અને કેટલાક હેન્ડગ્રેનેડ જપ્ત કર્યા હતાં. રિપોર્ટ પ્રમાણે જમ્મુ-કાશ્મીરમાં હિઝબુલના આતંકીઓ સાથે ઝડપાયેલા ડીએસપી દેવિન્દરસિંહ સિંહની વચ્ચે રૂ. ૧૨ લાખમાં સોદો થયો હતો. ડીએસપી સિંહે જમ્મુની મુલાકાતનું કારણ આપીને ૧૨મીથી ચાર દિવસની રજા લીધી હતી. તે દરમિયાન આ કામ કર્યું હતું. અહેવાલો અનુસાર પોલીસે ડીએસપી દેવિન્દર સિંહના શ્રીનગરમાં હાઇ સિક્યુરિટી ઝોનમાં આવેલ શિવપોરા વિસ્તારના નિવાસસ્થાને દરોડો પાડી
એક એકે ૪૭ રાઇફલ, બે પિસ્તોલ અને ૩ હેન્ડગ્રેનેડ પણ જપ્ત કર્યા છે.
પોલીસે દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલ ખાતે આવેલા ડીએસપીના પૈતૃક ઘર ખાતે પણ તપાસ શરૂ કરી હતી. કારમાં સવાર આતંકીઓ પાસેથી ડીએસપીએ ૧૨ લાખ લીધા હતા. બદલામાં આ આતંકીઓને ચંદીગઢ સુરક્ષિત પહોંચાડવાના હતા. કુખ્યાત આતંકીઓ પાસે હથિયારોની ડીલ કરવાની જવાબદારી પણ ડીએસપી પાસે હતી. ડીસીપી સાથે ઝડપાયેલા આતંકીઓ પ્રજાસતાક દિવસે મોટા હુમલાઓ કરવાની ફિરાકમાં હતાં. કોંગ્રેસના નેતા રણદીપ સૂરજેવાલાએ ૨૦૦૧ના સંસદ હુમલામાં ડીએસપી દેવિન્દર સિંહની ભૂમિકા પર પણ આંગળી ઉઠાવી હતી.

સારી કામગીરી બદલ રાષ્ટ્રપતિ સન્માન મળ્યું હતું

ડીએસપી દેવિન્દર સિંહને ઓગસ્ટ ૨૦૧૯માં જ પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ પોલીસ મેડલથી સન્માનિત કરાયા હતા. અગાઉ જમ્મુ-કાશ્મીર પોલીસની એન્ટિ હાઇજેકિંગ સ્ક્વોડમાં તહેનાત ડીએસપી સિંહ હાલમાં શ્રીનગર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફરજ સંભાળતા હતા. ૧૯૯૪માં જમ્મુ-કાશ્મીર પોલીસમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપની રચના કરાઇ હતી. દેવિન્દર સિંહને ઇન્સ્પેક્ટર તરીકે એસઓજીમાં નિયુક્ત કરાયા હતા. આતંકવાદીઓ સામેના સફળ ઓપરેશનો માટે દેવિન્દર સિંહને સીધું પ્રમોશન આપીને ડીએસપી બનાવાયા હતા. પાછળથી તેમની સામે ખંડણીની ફરિયાદો થતાં કેટલાક સમય માટે એસઓજીમાંથી હટાવી લેવાયા હતા. ત્યારબાદ પોલીસ કન્ટ્રોલમાંથી તેમને એન્ટિ હાઇજેકિંગ સ્ક્વોડમાં નિયુક્ત કરાયા હતા. ડીસીપીના રાષ્ટ્રપતિ મેડલ પણ છીનવાશે તેવી સંભાવના છે.


comments powered by Disqus