ગાંધીનગરઃ મહાત્મા મંદિરમાં ૧૧મી જાન્યુઆરીએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુજરાત પોલીસના ૭૫૦૦ સીસીટીવી નેટવર્ક આધારિત વિશ્વાસ અને આશ્વસ્ત પ્રોજેક્ટનો આરંભ કરાવ્યો હતો. આ પ્રસંગે અમિત શાહે નાગરિક્તા સુધારા કાયદા અંગે કહ્યું હતું કે, સીએએ મુદ્દે વિપક્ષ અપ્રચાર- જુઠ્ઠાણાઓ ફેલાવી રહ્યો છે. ગુજરાત તોફાનો કે કરફ્યુ મુક્ત છે. ગુજરાતની જનતા આવા તત્ત્વોથી ચેતે અને ઓળખે. કારણ કે વિકાસના મૂળમાં શાંતિ અને સલામતી છે. અલબત્ત, કોંગ્રેસના રાજમાં તેના લીરા ઉડયાં હતાં.
સીએએમાં નાગરિકતા લઈ લેવાનું નહીં, આપવાનું વિઝન છે. એમ છતાંય રાહુલબાબા એન્ડ કંપની કેજરીવાલ, મમતા બેનર્જી અને કમ્યુનિસ્ટના અપ્રચારથી દેશમાં અવિશ્વાસનો અજંપો ફેલાય છે. અમિત શાહે વધુમાં કહ્યું કે, મુખ્ય પ્રધાનપદે અહીં નરેન્દ્રભાઈ હતા ત્યારથી કોમી તોફાનો ભૂતકાળ બન્યા છે. જનતા શાંતિને ડહોળનારાથી ચેતે, ગુમરાહ કરનારાઓને બરાબર ઓળખે.
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં સીસીટીવી કેમેરાથી સાઈબર ક્રાંતિ આવશે. આર્થિક સહિતની ગુનાખોરી અટકાવવા, ઉકેલવા પોલીસ દ્વારા શરૂ થયેલા વિશ્વાસ અને આશ્વસ પ્રોજેક્ટ હેઠળ ૧૦૦ અને ૧૧૨ નંબર ડાયલ કરતાં જ નાગરિકોને મદદ મળશે. ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ ગુજસીટોક કાયદાથી આતંક અને સંગઠિત ગુનાઓને નિયંત્રિત કરવા સરકાર મક્કમપણે આગળ વધી રહ્યાનું કહ્યું હતું.

