ગોંડલ બાલાશ્રમની ૭ દીકરીઓને કરિયાવરમાં ૧૦૦ વારના પ્લોટનું દાન

Thursday 16th January 2020 02:22 EST
 

ગોંડલ: ગોંડલ નગરપાલિકા સંચાલિત બાલાશ્રમમાં રહેતી ૭ દીકરીઓનાં લગ્નની તડમાર તૈયારીઓ ચાલે છે. દીકરીઓને કરિયાવરમાં કોઈપણ જાતની ક્ષતિ ન રહે તે માટે પંથકના લોકો માંડવિયા અને મામેરિયાત બની રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે રાજકોટના બિલ્ડર દ્વારા બાળાઓને ૧૦૦ વારના પ્લોટ આપવાની જાહેરાત કરાઈ છે.
ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજા, નાગરિક બેંકના ચેરમેન જયંતીભાઈ ઢોલ, પાલિકાના પ્રમુખ અશોકભાઈ પીપળિયાની આગેવાનીમાં લગ્નોત્સવને આખરી ઓપ અપાઈ રહ્યો છે ત્યારે લુણાગરિયા પ્રકાશભાઈ જૈને જાહેરાત કરી છે કે કુવાડવા પાસે હીરાસર નજીક નવા બની રહેલા એરપોર્ટ નજીક સાતેય દીકરીઓને ૧૦૦ વારના પ્લોટ દાનમાં આપશે. તાલુકાના દેરડી કુંભાજી ગામે રહેતા અને સામાજિક કાર્યોમાં અગ્રેસર યુવાન ચિરાગ ગોલ દ્વારા થોડા દિવસ પહેલાં બલાશ્રમની દીકરીઓનાં લગ્ન પ્રસંગને લઈને વોટ્સઅપમાં મેસેજ કરાયા હતા. એના થકી રાજકોટનાં બિલ્ડર્સ લોબીમાં આ પ્રસંગની જાણ થઈ હતી. દાનની જાહેરાત કરવામાં આવેલા એક પ્લોટની કિંમત હાલમાં રૂ. ૩ લાખ જેટલી આંકવામાં આવી છે.


comments powered by Disqus