અમદાવાદઃ પાટીદાર પરિવાર ટ્રસ્ટ - ગુજરાત પ્રદેશ, અમદાવાદના ઉપક્રમે લેઉઆ-કડવા પાટીદારોનું મહાસંમેલન ૧૨મીએ અમદાવાદમાં ભાગવત વિદ્યાપીઠમાં યોજાયું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું કે, પાટીદાર સમાજ ઉદ્યમ - સાહજિકતાથી શૂન્યમાંથી સર્જન કરનારો મહેનતી સમાજ છે. આ સમાજે જીવનના દરેક ક્ષેત્રે સફળતાના ડંકા વગાડ્યા છે તેના મૂળમાં સમાજની છેવાડાના માનવીને મદદરૂપ થવાની ભાવના અને સંસ્કાર છે.
મુખ્ય પ્રધાને કહ્યું કે, સરદાર સાહેબની ખુમારી ધરાવતા પાટીદાર સમાજે જે લક્ષ્યાંક નિર્ધારિત કર્યાં છે તેને સિદ્ધ કર્યાં છે. આ સમાજ ગુજરાત વિકાસમાં અગ્રેસર છે, અનેક ક્ષેત્રે નંબર વન છે, દેશનું રોલમોડેલ બન્યું છે તેના મૂળમાં અનેક પાટીદારોનો પરિશ્રમ રહેલો છે. તેમના પરસેવાથી જ ગુજરાત ઉજળું છે અને દેશમાં મોખરે છે.
મુખ્ય પ્રધાને કહ્યું કે, આજે સમાજમાં એકતાની જરૂર છે. સૌ સાથે મળીને કાર્ય કરીએ તો કોઈ પણ સફળતા હાંસલ કરી શકાય છે તેવા સમયે કડવા અને લેઉવાના ભેદ ભૂલી સૌ એક બનીને નેક બનવાનો પ્રયત્ન કરી રહ્યા છે તે અભિનંદનને પાત્ર છે. આવા સંમેલનો દ્વારા માનવતાના કાર્યોની સમાજમાં સુવાસ ફેલાય છે અને સમાજની એકતા સમાજમાં દૃઢ બને તે માટે આવા કાર્યક્રમો મહત્ત્વપૂર્ણ સાબિત થાય છે.
તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, કડવા અને લેઉવા બંને સમાજ એક જ છે ત્યારે બંનેની સાથે ચાલવાની માનસિકતા સૌના સુખે સુખી, સૌના દુ:ખે દુ:ખી થવાની ભાવનાને દૃઢિભૂત કરશે. વિજય રૂપાણીએ સમાજના ઉત્કર્ષ તથા સાહિત્ય સંસ્કૃતિના જતન - સંવર્ધન માટે ઉત્કૃષ્ટ પ્રદાન કરનારા મહાનુભાવોનું પાટીદાર શિરોમણિ એવોર્ડથી સન્માન પણ કર્યું હતું. નાયબ મુખ્ય પ્રધાન નીતિનભાઇ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, લક્ષ્મી, સરસ્વતી, માનવતા અને મહેનતને સન્માનિત કરવાનો આ બહુમુખી કાર્યક્રમ છે.
તેમણે કહ્યું કે, પાટીદાર સમાજ એક જ છે. તેમાં ભૂતકાળમાં કોઈ કારણસર ભેદભાવ થયા હશે છતાં, આજે બંને સમાજ એક જ સ્થળે, એક જ મંચ હેઠળ એકત્રિત થયો છે તે આનંદની વાત છે. આવા કાર્યક્રમો સમાજને ફેવિકોલની જેમ બોન્ડિંગથી જોડવાનું કાર્ય કરે છે. જરૂરિયાતના સમયે હાકલ પડે ત્યારે બંને સમાજે એકબીજાના પડખે ઉભા રહી મજબૂત સહકાર આપવાનું આહ્વાન પણ તેમણે કર્યું હતું.

