અમદાવાદ: ગુજરાતમાં આતંકી હુમલાનું કાવતરું ઘડી રહેલા આઈએસઆઈએસના વોન્ટેડ આતંકીની સેન્ટ્રલ એજન્સી પાસેથી મળેલી માહિતીને આધારે ગુજરાત એન્ટી ટેરેરિસ્ટ સ્કવોર્ડે વડોદરાના ગોરવા વિસ્તારમાંથી ૯મી જાન્યુઆરીએ ધરપકડ કરી હતી. ભાડેથી રહેતા તામિલનાડુના જાફરઅલી મહોમદ હલીકને ઝડપીને હાલમાં તેની પૂછપરછ શરૂ કરાઈ છે. જાફરના ઘરેથી જાફર સહિત ૬ અજાણ્યા મિશન માટે ગયાની પોલીસને માહિતી મળી હતી.
એટીએસે જાફરને આશ્રય આપનારા જંબુસરના મુબારક મલેક અને અબરાર પટેલની પણ જાફરની સાથે અટકાયત કરી હતી. એટીએસને મળેલી માહિતી પ્રમાણે, તામિલનાડુના છ જણા તેમના મૂળ રહેઠાણેથી ફરાર છે અને તેઓ અતિસંવેદનશીલ ગુનાઓમાં સંડોવણી ધરાવે છે. પોલીસને એવા પણ ઈનપુટ હતા કે તમામ છ ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સિરીયાથી પ્રભાવિત છે અને કોઈ અજાણ્યા મિશન માટે રાજ્યની બહાર હતા. તેમાંના કેટલાક જેહાદની વાતો કરતા અને તમામ કટ્ટર મુસ્લિમપંથી વિચારધારા ધરાવે છે. આ માહિતીના આધારે ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીદારો મારફતે તપાસ કરાવી હતી. જેથી ખૂલ્યું કે છમાંથી એક તામિલનાડુના કુડ્ડાલોર જિલ્લામાં રેડ્ડીયાર સ્ટ્રીટનો રહેવાસી જાફરઅલી વડોદરાના ગોરવામાં રહે છે. જેને આધારે જાફરને ઝડપી લેવાયો હતો.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે જાફર ગુજરાતમાં પોતાનું આઈએસઆઈએસનું નવું મોડયુલ તૈયાર કરવા માટે આવ્યો હતો અને ડિસેમ્બર, ૨૦૧૯થી વડોદરામાં ભાડાના મકાનમાં રહેતો હતો. તે તામિલનાડુ અને દિલ્હી સ્પેશિયલ સેલના ગુનામાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું છે. એટીએસે જણાવ્યા મુજબ, હાલમાં જાફરની પૂછપરછ ચાલે છે. તામિલનાડુના ઘરેથી તેના ફરાર અન્ય સાથીદારો ગુજરાતમાં છે કે કેમ અને તેમના મિશન અંગે શું પ્લાનિંગ થાય છે તે તપાસ ચાલે છે. આ તપાસ પછી જાફરને દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલને સોંપી દેવાશે.
દિલ્હીમાંથી આઈએસ આઈએસના ત્રણ આતંકીની ધરપકડ થતાં તેમની પૂછપરછમાં જાફરનું નામ બહાર આવ્યું હતું. મુબારક અને અબરાર આતંકીને મુંબઈમાં મળ્યા હતા
ગોરવાના બોરિયા તળાવ ઝૂંપડપટ્ટીમાંથી જાફરની સાથે પકડાયેલા બંને યુવાનો મુબારક મલેક અને અબરાર પટેલની અમદાવાદની એટીએસ ઓફિસમાં તેમના પરિવારજનો સાથે મુલાકાત કરાવાઈ હતી. બંને યુવાનો આતંકીના સંપર્કમાં હતા અને કોલ ડિટેઈલના આધારે એટીએસ દ્વારા તેઓની અટકાયત કરાઈ હતી.
આ બંને યુવાનો બે વર્ષ પહેલાં એક ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા મુંબઈ ગયા હતા. જ્યાં તેઓની જાફર સાથે મુલાકાત થઈ હતી. ચાર દિવસના કાર્યક્રમ દરમિયાન બંને વારંવાર જાફરને મળતા હતા. જાફરે ચાલાકીથી બંનેના મોબાઈલ નંબરો મેળવી લીધા હતા અને તેઓ સાથે ફોન પર સંપર્કમાં રહેતો હતો. એવું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે.

