લંડનઃ ઈ કોમર્સ કંપની ધ હટ ગ્રૂપ (THG)ના ૪.૫ બિલિયન પાઉન્ડના સ્ટોક એક્સચેન્જની જોરદાર તૈયારી થઈ રહી હતી ત્યારે જ મલ્ટિમિલિયન ફ્રોડની વિગતો બહાર આવતા માન્ચેસ્ટરસ્થિત કંપનીને ભારે ફટકો પડ્યો છે. કંપનીએ ૨૦૧૧ના ફ્લોટેશનને રદ કરવાની ફરજ પડી છે. કંપની વિરુદ્ધના એક કેસમાં હાઈ કોર્ટે ૨૦૧૪માં પતાવટ માટે ૧૦.૮ મિલિયન પાઉન્ડની ચૂકવણીનો આદેશ કર્યો હતો. ચુકાદામાં આ ફ્રોડની વિગતો પણ અપાઈ હતી.
THGનું મૂલ્ય ૪.૫ બિલિયન પાઉન્ડ થઈ જાય અને આશરે ૯૨૦ મિલિયન પાઉન્ડનું નવું ભંડોળ એકત્ર કરવા નવા લોન્ચિંગને જાહેરાતને સમર્થન અપાયું તેના બીજા જ દિવસે તેની ૨૦૧૧ની હિસાબી સમસ્યાઓ જાહેર થઈ હતી. જો કંપનીનું મૂલ્ય ડિસેમ્બર ૨૦૨૨ સુધીમાં ૭.૨૫ બિલિયન પાઉન્ડ થઈ જાય તો કંપનીના તત્કાલીન સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ અને વર્તમાન એક્ઝિક્યુટિવ મેથ્યુ મોલ્ડિંગને ૭૦૦ મિલિયન પાઉન્ડનો લાભ મળવાની શક્યતા હતી.
જજે ૨૦૧૪ના ચુકાદામાં જણાવ્યું હતું કે કંપનીનાં આક્રમક બિઝનેસ વલણે ફ્રોડમાં ફાળો આપ્યો હતો અને તેના ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટે ફ્રોડને આગળ વધવાની જાણે છૂટ આપી દીધી હતી. કોર્ટના દસ્તાવેજો અનુસાર THGએ મે ૨૦૧૧માં સ્પોર્ટ્સ બ્રાન્ડ Myprotein તેના સ્થાપક ઓલિવર નોબાહાર-કૂકસન પાસેથી ૫૮ મિલિયન પાઉન્ડમાં ખરીદી હતી, જેમાં ૩૦ મિલિયન પાઉન્ડ રોકડા અને બાકીના સંયુક્ત કંપનીના ૧૨ ટકા શેર પ્રાઈવેટ પ્લેસમેન્ટના ધોરણે હતા.
કૂકસને દાવો કર્યો હતો કે તેને કહેવાયું હતું કે તે સમયે શેર્સનું મૂલ્ય ૨૮ મિલિયન પાઉન્ડ હતું અને કંપનીના ફ્લોટિંગ સાથે તેના વેચાણથી અઢળક નફો મળવાનો હતો. જોકે, ખોટ છુપાવી કંપનીના મૂલ્યાંકનને ખોટી રીતે વધારાયું હોવાનું કોર્ટે જણાવ્યું હતું. આનાથી ઓલિવર નોબાહાર-કૂકસનને નાણાકીય ફટકો પડ્યો હતો અને કોર્ટે તેને ૧૦.૮ મિલિયન પાઉન્ડ ચૂકવવા THGને આદેશ કર્યો હતો. જોકે, Myproteinના હિસાબોમાં પણ ગરબડો બહાર આવતા THGનો ૪.૩ મિલિયન પાઉન્ડની ખોટનો દાવો પણ મંજૂર કરાયો હતો. આ ફ્રોડની મોલ્ડિંગને આગોતરી જાણ હતી કે કેમ તે કોર્ટે જણાવ્યું ન હતું.