લંડનઃ કોરોનાવાઈરસ મહામારીના કારણે અર્થતંત્રને પડેલા જોરદાર ફટકા, બ્રેકઝિટ મુદ્દા તથા સરકારના બજેટ પ્લાન સંબંધિત અનિશ્ચિતતાના પરિણામે વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝે યુનાઈટેડ કિંગ્ડમ (યુકે)ના ડેટ રેટિંગમાં ઘટાડો કર્યો છે. મૂડીઝે બ્રિટનના રેટિંગને Aa2થી ઘટાડી Aa3 કર્યું છે. બેલ્જિયમ તથા ઝેક રિપબ્લિક પણ આજ રેટિગ્સ ધરાવે છે. વિશ્વના ૬ઠ્ઠા મોટા અર્થતંત્ર બ્રિટન સાત રાષ્ટ્રના સમુહમાં સૌથી વધુ ખરાબ અસર પામ્યું છે.
બ્રિટનનું જાહેર દેવું ૨ ટ્રિલિયન પાઉન્ડસથી પણ વધી ગયું છે જે તેના જીડીપી કરતા ૧૦૦ ટકા વધુ છે. બ્રિટનનો વિકાસ અપેક્ષા કરતા ઘણો જ નબળો છે અને ભવિષ્યમાં પણ આ નબળાઈ ચાલુ રહેવા વકી છે, એમ મૂડીઝના રિપોર્ટમાં જણાવાયું છે.
G 20 દેશોના સમુહમાં બ્રિટન સૌથી મોટા ઘટાડાનો સામનો કરી રહ્યું છે. કોરોનાની મહામારી, સોશિયલ ડિસ્ટન્સિંગના કારણે તેના સેવા ક્ષેત્ર પર પડેલી ગંભીર અસર તથા કોરોનાના બીજા મોજાંથી કેસમાં વધારો થવાની શકયતાને કારણે બ્રિટનના અર્થતંત્ર પર ગંભીર અસર પડી છે. વડા પ્રધાન જ્હોન્સને ઈયુ સાથે નો-ડીલ એક્ઝિટ માટે તૈયાર રહેવાની હાકલ કરી હોવાના પરિણામે વેપાર સોદો થવાની શક્યતા ઘટી ગઈ છે. જો ૨૦૨૦ના અંત સુધીમાં ઈયુ- યુકે વચ્ચે વેપારસોદો થશે તો પણ તેનું પ્રમાણ નાનું હશે અને વિદેશી ઈન્વેસ્ટર્સના વિશ્વાસને આકર્ષવામાં સફલ નહિ રહે.
કોરોનાની મહામારીને હાથ ધરવાની બ્રિટનના વડા પ્રધાનની પદ્ધતિને લઈને તેમણે વિપક્ષો તથા પોતાના પક્ષના સભ્યોની ટીકાને પાત્ર બનવું પડયું છે. કોરોનાને કારણે યુરોપના અન્ય દેશો કરતા સૌથી વધુ મોત બ્રિટનમાં થયા છે. બ્રિટનની બજેટરી શિસ્ત ખોરવાઈ ગઈ છે અને તેના ઊંચો દેવાબોજ જલદીથી નીચે આવવાની શકયતા ઘણી જ ઓછી છે. બ્રિટિશ સરકાર માટે ખર્ચ પર કાપ મૂકવાનું રાજકીય રીતે મુશકેલ છે અને વેરામાં કોઈપણ વધારો આર્થિક રિકવરીને અવરોધશે એમ મૂડીઝ માની રહી છે.