ઈસ્ટ લંડનની ભારતીય માતા ભાવિની મકવાણા રેટીના યુકેની ટીવી અપીલમાં ચમકી

Wednesday 22nd July 2020 07:53 EDT
 
 

ઈસ્ટ લંડનમાં રહેતા ભાવિની મકવાણા આગામી ૨૬ જુલાઈને રવિવારે નેશનલ ચેરિટી રેટીના યુકે માટે પ્રસારિત થનારી બીબીસી લાઈફલાઈન અપીલમાં પોતાના વારસાગત અંધત્વ વિશેના અનુભવનું વર્ણન કરશે. બે સંતાનોની માતા ભાવિની ૧૭ વર્ષના હતા ત્યારે તેમને વારસાગત રેટિનીટીસ પીગ્મેન્ટોસાનું નિદાન થયું હતું.
તેઓ ૧૫ વર્ષ સુધી તો એ વાત સ્વીકારી શક્યા ન હતા કે તેમણે દ્રષ્ટિ ગુમાવી દીધી છે.
પરંતુ, પરિવાર અને રેટીના યુકેના સહયોગથી તેઓ આ ખામી સાથે જીવતા થયા. તેમણે જીવનમાં ઘણા હકારાત્મક સુધારા કર્યા છે. તેમને રેટીના યુકેની હેલ્પલાઈનની સહાય મળી હતી અને તેમણે ચેરિટીના માહિતીપ્રદ કાર્યક્રમોમાં તથા સપોર્ટ ગ્રૂપની મિટીંગોમાં ભાગ લીધો હતો.
રેટીના યુકેના એમ્બેસેડર ભાવિની મકવાણા વારસાગત દ્રષ્ટિ ગુમાવનારા અન્ય લોકોનો વિશ્વાસ વધારવા અને તેઓ સ્વતંત્ર જીવન જીવી શકે તે માટે તેમને સમર્થ બનાવવામાં સમય ફાળવે છે.
તેમણે જણાવ્યું હતું. ‘મને શૂટિંગમાં ખૂબ મઝા આવી હતી અને હું મારા જીવનમાં પરિવર્તન લાવનારી ચેરિટીને કશુંક પાછું વાળવા યોગ્ય થઈ શકી તે ખૂબ મોટી વાત છે. રેટીના યુકે તરફથી મળેલી મદદથી મને સમજાયું કે હું હજુપણ મારી મહત્ત્વાકાંક્ષાઓને પૂરી કરી શકું તેમ છું.’ તેમણે ઉમેર્યું,‘ આ ખૂબ ઉત્તમ ચેરિટી છે અને તેના માટે વોલન્ટિયરિંગ કરવાથી મને અન્યોને મદદ કરવાનું પ્રેરક બળ મળે છે.’
લંડન વિઝન માટે કાર્યરત ભાવિની તેમના ગાઈડ ડોગ કોલિનની મદદથી પબ્લિક ટ્રાન્સપોર્ટ દ્વારા મુસાફરી કરે છે.
તેમણે દ્રષ્ટિની ખામીની શક્યતા ધરાવતા એશિયન સમુદાયના લોકોને મદદરૂપ થવા રેટીના યુકે માટે ચેરિટી ફંડ રેઝિંગ ઈવેન્ટ્સનું આયોજન કર્યું હતું. સપોર્ટ સર્વિસીસ પૂરી પાડવા ઉપરાંત રેટીના યુકે વારસાગત નેત્રહીનતામાં સંશોધનને ફંડ આપે છે. ચેરીટીએ ૪૩ વર્ષના ઈતિહાસમાં તેના કારણોની તપાસ અને સારવાર માટે £૧૬ મિલિયનથી વધુનું રોકાણ કર્યું છે.


comments powered by Disqus