ભરૂચઃ રેલવે પ્રોટેકશન ફોર્સે સોમવારે અંકલેશ્વરમાંથી દેશના સૌથી મોટા રેલવે ઈ ટિકિટ કૌભાંડમાં રૂ. ૭.૯૭ કરોડની ઈ-ટિકિટની જપ્તી સાથે ભેજાબાજ સોફટવેર એન્જિનિયર અમિત પ્રજાપતિની ધરપકડ કરી છે. આઈઆરસીટીસીની વેબસાઈટ પર ૫૦૫૬૮ યુઝર આઈડી બનાવી સોફટવેર એન્જિનિયર લાંબા અંતરની ટિકિટો કાઢી તેને મુસાફરોને બ્લેકમાં વેચતો હતો.
અમિત પ્રજાપતિ (ઉં. ૩૪) ઈન્ડિયન રેલવે ટૂરિઝમ એન્ડ કેટરિંગ કોર્પોરેશનની સાઈટ ઉપર ૫૦૫૬૮ યુઝર આઈડી બનાવી આઈઆરસીટીસી કરતા પણ વધુ ઝડપે મલ્ટીપલ ટિકિટો કાઢી લઈ ઈ-ટિકિટનો ગોરખધંધો કરતો હતો. અમિત પ્રજાપતિએ આરપીએફ સમક્ષ હવાલા દ્વારા પૈસા સ્વીકારતો હોવાની પણ કબુલાત કરી હતી. પશ્ચિમ રેલવેના પ્રિન્સિપાલ ચિફ સિકયુરિટી કમિશ્નર ઈન્સ્પેકટર જનરલ એ. કે. સિંહે જણાવ્યું કે, આરોપીના કંટ્રોલ પેનલમાં તપાસ કરતા ચોંકાવનારા ૫૦ હજારથી વધુ યુઝર આઈડીઓ મળી આવ્યા હતા. જેના પીએનઆર ડેટા આઈઆરસીટીસી પાસેથી એકત્ર કરવાની આરપીએફે કવાયત હાથ ધરી છે.

