ઈડરિયા ગઢ ઉપર ૧૫૦૦ વર્ષ પૂર્વેના પુરાતન અવશેષો મળ્યા

Wednesday 26th February 2020 04:26 EST
 
 

ઈડરઃ ઈડરિયા ગઢ પર જૈન મંદિર પાસે નવીન ભવન માટે ખોદકામ દરમિયાન ૧૫૦૦ વર્ષ જૂની જૈન ભગવાનની મૂર્તિ સહિત કેટલાક પુરાતન અવશેષો મળી આવ્યાના અહેવાલ ૨૩મીએ આવ્યાં હતાં.
ઈડરિયા ગઢ પર દિગંબર જૈન મંદિર પાસે નવીન સંત ભવનનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. રવિવારે સવારે જેસીબી દ્વારા પાયાના ખોદકામ દરમિયાન એક પ્રાચીન મૂર્તિ તથા કેટલાક પુરાતન અવશેષો જોવા મળતા, સ્થળ પર હાજરી કામદારો દ્વારા જૈન સમાજના અગ્રણીઓને જાણ કરાઈ હતી. દરમિયાન જૈન સમાજના અગ્રણીઓએ દોડી જઈ તપાસ કરી તો સ્થળ પરથી જૈન ભગવાનનો પાછળનો પરિકરનો ભાગ તથા કેટલાક પુરાતન અવશેષો જોવા મળ્યા હતા. જેની ઝીણવટ ભરી ચકાસણી દરમિયાન ભગવાનની મૂર્તિ ૧૫૦૦ વર્ષ જૂની હોવાનું મૂર્તિ પરના લખાણથી સ્પષ્ટ થયું હતું. સાથે જ મંદિરને લગતાં જે પુરાતન અવશેષો છે તે પણ એટલા જ પ્રાચીન હોવાનું જણાઈ આવ્યું હતું.


comments powered by Disqus