એક સમયે ન.મો.ના વિઝા રિજેક્ટ કરનારા અમેરિકી પ્રમુખ ગુજરાતના મહેમાન બન્યા!

Wednesday 26th February 2020 03:00 EST
 
 

અમદાવાદઃ ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના વિઝા રિજેક્ટ કરનારા દેશ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આ જ નરેન્દ્ર મોદીના આમંત્રણને માન આપીને ગુજરાતના મહેમાન બન્યા હતા, અને ગુજરાતની મહેમાનગતિ માણીને અભિભૂત થઇ ગયા હતા.
વર્ષ ૨૦૦૫માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે અમેરિકાએ નરેન્દ્ર મોદીના ડિપ્લોમેટિક વિઝા રદ કર્યા હતા અને તેમને અગાઉથી મળેલા ટુરિસ્ટ વિઝા પણ પરત ખેંચી લીધા હતા. આ ઘટનાના ૧૫ વર્ષ પછી નરેન્દ્ર મોદીના આગ્રહને વશ થઇને અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે તેમના બે દિવસના ભારત પ્રવાસનો પ્રારંભ સોમવારે અમદાવાદથી કર્યો હતો.
૨૦૦૨ના રમખાણોમાં ધાર્મિક સ્વાતંત્ર્ય ભંગ કરવાના મુદ્દે અમેરિકા મોદીને વિઝાથી અળગા રાખ્યા હતા. વર્ષ ૨૦૦૫માં જ્યોર્જ બુશ જ્યારે અમેરિકાના પ્રમુખ હતા ત્યારે મોદીના ડિપ્લોમેટિક વિઝા રદ કરાયા હતા અને તેમના ઓનગોઈંગ ટુરિસ્ટ વિઝા પણ પરત ખેંચી લીધા હતા. આ ઘટનાના ૧૫ વર્ષ બાદ હવે મોદી ભારતના વડા પ્રધાન છે અને અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ મોદી સાથે ઘરોબો હોવાનો દાવો કરે છે.
અમેરિકી કોંગ્રેસે સ્થાપેલા ‘યુએસ કમિશન ફોર ઈન્ટરનેશનલ રિલિજિયસ ફ્રિડમ’ નામના પંચનો અભિપ્રાય મોદીને વિઝા આપવાની વિરુદ્ધમાં હતો. પંચના અહેવાલમાં ભારતનો સમાવેશ ધાર્મિક સ્વાતંત્ર્યમાં બીજા ક્રમના દેશો સાથે કરાયો હતો. અહેવાલમાં એવો પણ ઉલ્લેખ હતો કે ૨૦૦૨ના રમખાણોમાં હિંસા રોકવામાં પૂરતા પ્રયાસો ન થયો હોવાનો તત્કાલીન રાજ્ય સરકાર પર આરોપ છે. જેથી મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના વિઝા મંજૂર કરવા હિતાવહ નથી.
મોદીની ડિપ્લોમેટિક વિઝાની અરજી અમેરિકાના ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટની કલમો હેઠળ રદ કરીને વિઝા પરત ખેંચી લેવાયા હતા. આ સમયે અમેરિકા દ્વારા કારણ અપાયું હતું કે ધાર્મિક સ્વાતંત્ર્ય પર હિંસા કરવાનો આરોપ વિદેશની સરકારના કોઇ અધિકારી કે નેતા પર લાગે તો તેના વિઝા રદ થઇ શકે છે કે પરત ખેંચાઇ શકે છે.
૨૦૦૫માં મોદીના યુએસ વિઝા રિજેક્ટ થયા ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પોતાના સ્વાભિમાન પર પ્રહાર થયો હોવાનો મુદ્દો આગળ ધરી ઉહાપોહ કર્યો હતો અને અમેરિકાની આકરી ટીકાઓ કરી હતી.
જોકે નરેન્દ્ર મોદી ભારતના વડા પ્રધાન તરીકે ચૂંટાયા બાદ અમેરિકાએ મોદીને વિઝા આપવાની ફરજ પડી હતી. બીજી બાજુ મોદીએ સામે ચાલીને અમેરિકન કંપનીઓ ફોર્ડ મોટર્સ, જનરલ મોટર્સ વગેરેની ગુજરાતમાં સસ્તા દરે સરળતાથી જમીનની લ્હાણી કરતા રાજકીય વર્તુળોમાં પણ મોદીની ટીકા કરાઇ હતી.


comments powered by Disqus