જન્મદિનની પાર્ટીમાં કોરોના ફેલાવવાના આક્ષેપથી ચીની યુવતી સાથે દુર્વ્યવહાર: ભારતીયની મારપીટ

Wednesday 26th February 2020 07:07 EST
 
 

લંડનઃ સેન્ટ્રલ બર્મિંગહામના એક બારમાં ટ્રેઈની લોયર અને મૂળ ભારતીય યુવતી મીરા સોલંકી પોતાના મિત્રો સાથે પોતાનો ૨૯મો જન્મદિન ઉજવી રહી હતી. તે સમયે એક વ્યક્તિએ તેની ચાઈનીઝ મિત્ર મેન્ડી હુઆંગ પાસે જઈને તેને કહ્યું,‘કોરોના વાયરસને તારા દેશ પાછો લઈ જા.’ બારમાં એકત્ર થયેલા એશિયન પુરુષોએ કોરોના વાયરસ ફેલાવવા બદલ મેન્ડી હુઆંગ સાથે જાતિવાદી દુર્વ્યવહાર કર્યો હતો. ત્યારે મીરા તેનું રક્ષણ કરવા વચ્ચે પડી હતી. જોકે, તે વ્યક્તિએ મીરાના મોં પર મુક્કો મારીને પાડી દેતા તે બેભાન થઈ ગઈ હતી. તેમણે કોરોના વાયરસને લીધે આ અપમાન કર્યું હોવાનું જણાવાયું હતું. સ્થાનિક એંગ્લો-ચાઈનીઝ ગ્રૂપના એક સભ્યે જણાવ્યું હતું,‘ કોરોના વાયરસને લીધે માનસિક ઉન્માદથી ગેરવર્તણુંકની ઘટનાઓમાં વધારો થયો છે.’
મીરાએ જણાવ્યું હતું, ‘ હું બારમાં યુવતીઓ અને યુવાનોના ગ્રૂપ સાથે મારો જન્મદિવસ ઉજવી રહી હતી. ત્યારે ત્યાં હાજર એશિયન પુરુષોના ગ્રૂપમાંથી એક પુરુષ વારેઘડીએ મારી પાસે આવીને મને હેરાન કરતો હતો. હું જુદીજુદી સંસ્કૃતિના મિત્રોના ગ્રૂપ સાથે હતી તેનાથી તેને સમસ્યા હોય તેવું મને લાગ્યું હતું. મારા મિત્રો પૈકી એક પર તેણે થૂંકવાનો પ્રયાસ કર્યો ત્યારે પણ અમે તેની અવગણના કરી હતી.’ મીરા પર હુમલો કરનાર વ્યક્તિની પોલીસ શોધખોળ કરી રહી છે. તે ૫ ફૂટ અને ૮ ઈંચ ઉંચો, મજબૂત બાંધાનો હતો અને તેણે ફ્લેટ કેપ તથા હૂડી પહેર્યા હતા.


comments powered by Disqus