ગાંધીનગરઃ પ્રમુખ ટ્રમ્પની અમદાવાદની ત્રણ કલાકની યાત્રાની તૈયારી માટે થયેલો અંદાજે રૂ. ૧૧૫ કરોડથી વધુનો ખર્ચ ગુજરાત સરકાર જ ભોગવશે. ટ્રમ્પના ગુજરાત પ્રવાસનો ખર્ચ કોણ ભોગવશે તે મુદ્દે પ્રવાસના આગલા દિવસ સુધી વિવાદ ચાલ્યો હતો. જોકે વિજય રૂપાણીએ આ પ્રોગ્રામના યજમાન ગુજરાતના મુખ્ય પ્રધાન હોવાની જાહેરાત કરતાં જ ખર્ચના વિવાદ પર પડદો પડી ગયો હતો.
આ અગાઉ ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમના અભિવાદન માટેની સમિતીના અધ્યક્ષપદે મેયર બિજલ પટેલની નિમણૂક કરાઇ હતી. આ પછી પણ આ કાર્યક્રમ માટે થનારો ખર્ચ અભિવાદન સમિતિ કઇ રીતે નિભાવશે એવો સવાલ ઉઠ્યો હતો. આ પછી વિવાદ પર પડદો પાડી દેવાના ઇરાદે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પોતે જ આ કાર્યક્રમના યજમાન હોવાની જાહેરાત કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે અમેરિકાના પ્રમુખની ગુજરાત મુલાકાત રાજ્ય માટે ગૌરવરૂપ છે. તેનાથી ગુજરાતની વૈશ્વિક મહત્તા પ્રસ્થાપિત થઈ રહી છે. બે શક્તિશાળી નેતાઓનું સ્વાગત એક ચિરંજીવ અને ઐતિહાસિક ઘટના બની રહેશે.
ટ્રમ્પ માટે કરોડોનો ખર્ચ શા માટે?ઃ કોંગ્રેસ
પ્રમુખ ટ્રમ્પની ગુજરાત મુલાકાત પૂર્વે કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો હતો કે ડોનાલ્ડ ટ્રમ્પ કોના આમંત્રણથી ભારત આવે છે? વિદેશ મંત્રાલય કહે છે કે ખાનગી સંસ્થાએ ટ્રમ્પની અમદાવાદ મુલાકાત યોજી છે. જો ટ્રમ્પને પ્રાઇવેટ સંસ્થા દ્વારા બોલાવાઇ રહ્યા હોય તો રાજ્ય સરકાર કરોડો રૂપિયા ટ્રમ્પના સ્વાગત પાછળ કેમ ખર્ચે છે? એક તરફ ટ્રમ્પ કહે છે કે મને નરેન્દ્ર મોદીએ આમંત્રણ આપ્યું છે જ્યારે વિદેશ મંત્રાલય કહે છે કે આ સત્તાવાર કાર્યક્રમ નથી. સાથે સવાલ કર્યો હતો કે કાર્યક્રમ પાછળ ખર્ચાયેલા કરોડો રૂપિયા આવ્યા ક્યાંથી? ત્રણ કલાક માટે ૧૨૦ કરોડ રૂપિયા ખર્ચાયા છે. વિદેશ નીતિ ગંભીર બાબત છે, આ કોઇ ઇવેંટ મેનેજમેન્ટ નથી કે સરકાર ટ્રમ્પની પાછળ આટલા કરોડ રૂપિયા ખર્ચે છે.
નોંધનીય છે કે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું હતું કે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં કોને કોને આમંત્રણ અપાશે તે વિદેશ મંત્રાલય નહીં કરે, આ કાર્યક્રમનું આયોજન ડોનાલ્ડ ટ્રમ્પ અભિનંદન સમિતિ દ્વારા કરાયું છે. આથી કાર્યક્રમમાં કોને બોલાવવા એ તેમનો ખાનગી મામલો છે.

