દિલ્હીમાં સીએએ વિરોધમાં હિંસાઃ એક પોલીસકર્મી સહિત ૨૦નાં મોત

Wednesday 26th February 2020 04:53 EST
 
 

નવી દિલ્હીઃ ઉત્તર-પૂર્વ દિલ્હીમાં સીએએના વિરોધમાં ચાલી રહેલા પ્રદર્શનોમાં સતત હિંસામાં બુધવાર સુધીમાં એક પોલીસમેન સહિત કુલ ૨૦ લોકોએ જીવ ગુમાવ્યા છે. દિલ્હીમાં નાગરિકતા કાયદા મુદ્દે ભજનપુરા, મોજપુર અને જાફરાબાદ, ગોકુલપુરી, યમુનાપારના ઘણા વિસ્તારમાં હિંસા ભડકી છે. પોલીસને કાર્યવાહી કરતા હિંસાગ્રસ્ત વિસ્તારોમાં ઉપદ્રવીઓને જોતાં જ ગોળી મારવાના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના આદેશ પર હિંસાથી પ્રભાવિત વિસ્તારોમાં મોટા પ્રમાણમાં સુરક્ષા દળો તૈનાત છે. જે પછી જાફરાબાદ વિસ્તારમાં મહિલાઓ સહિતના પ્રદર્શનકારીઓને હટાવી દેવામાં સળફતા મળી હતી.
બીજી તરફ હિંસક પ્રદર્શનોને જોતા માધ્યમિક શિક્ષણ બોર્ડે અહી થનારી બોર્ડની પરીક્ષાઓ પણ આગામી આદેશ સુધી સ્થગિત કરી દીધી છે. દિલ્હી સરકારના અનુરોધ પર સીબીએસસીએ નિર્ણય લેતા બોર્ડ પરીક્ષા રદ કરી હોવાની જાહેરાત કરી હતી. આ પહેલા દિલ્હી સરકારે ઉત્તર-પૂર્વ દિલ્હીની તમામ ખાનગી અને સરકારી શાળાઓ ૨૬મીએ બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. હિંસામાં વાહનો અને દુકાનોમાં આગચંપી અને તોડફોડની ઘટનાઓ સહિત ૨૦૦થી વધુ ઇજાગ્રસ્ત થયા હતા જેમાં ફાયરિંગથી ઘાયલ થનારા લોકો પણ સામેલ છે. હિંસામાં ૩૭ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. ગોકુલપુરીમાં પ્રદર્શનકારીઓ તરફથી કરાયેલા ગોળીબારમાં હેડ કોન્સ્ટેબલ રતનલાલનું મોત થયું હતું અને પથ્થરમારામાં ઘાયલ ડીસીપી અમિત શર્માને સોમવારે હોસ્પિટલે ખસેડાયા હતા. ટોળાએ શર્માની ગાડીને પણ આગ ચાંપી દીધી હતી. બીજી બાજુ બે સામાન્ય નાગરિકનાં પણ હિંસામાં મોત થયાં હતાં.
ઉત્તર પૂર્વી દિલ્હીના મોજપુર વિસ્તારની હિંસાની ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો હતો જેમાં એક યુવાન હાથમાં દેશી પિસ્તોલ લઈને ગોળીબાર કરતો દેખાતો હતો. દિલ્હીના ઝાફરાબાદમાં પણ ૨૩મીએ સમર્થકો અને વિરોધીઓ વચ્ચે ઘર્ષણમાં પથ્થરમારો થયો હતો. જેમાં અનેક ઘવાયા હતા. પોલીસે બાદમાં હિંસાને અટકાવવા માટે લાઠીચાર્જ કર્યો હતો.


comments powered by Disqus