અમરેલીઃ ખાંભા તુલસીશ્યામ રેન્જના પીપળવા રાઉન્ડમાં ડંકીવાળા વિસ્તારમાંથી ૨૨મી ફેબ્રુઆરીએ ૧૨ વર્ષનાં સિંહનો મૃતદેહ વન વિભાગને મળી આવ્યો છે. વય મર્યાદાના કારણે સિંહણનું મોત થયાનું અનુમાન છે. એક તરફ સિંહોની વસ્તી ગણતરી નજીક છે ત્યારે ધારી ગીર પૂર્વમાં ૭ દિવસમાં ૪ સિંહના મૃતદેહ મળી આવ્યા છે. ખાંભામાંથી ૧૧ વર્ષના સિંહનો મૃતદેહ મળ્યો હતો.
છેલ્લા આઠ વર્ષમાં ૬૧૮ સિંહનાં મોત
મહત્ત્વનું એ છે કે ગુજરાતમાં સિંહોની હાલ જેટલી વસ્તી છે. તેના કરતાં વધુ સિંહ છેલ્લા આઠ વર્ષમાં મૃત્યુ પામ્યા છે. છેલ્લા આઠ વર્ષમાં ૬૧૮ સિંહોનાં મોત થયા છે. જે પૈકી વર્ષ ૨૦૧૬માં ૧૧૪ અને ૨૦૧૭-૧૮માં સૌથી વધુ ૧૯૫ સિંહનાં મોત થયાં હોવાનું વિધાનસભામાં પણ જાહેર થયું હતું. વર્ષ ૨૦૧૯માં ૮૦થી વધુ સિંહનાં મોત થયાં છે અને ૨૦૨૦ની શરૂઆતમાં જ ૧૫થી વધુ સિંહ મૃત્યુ પામ્યા છે.
સિંહનાં રક્ષણ માટેની તંત્રની યોજનાઓ નિષ્ફળ?
સિંહનાં રક્ષણ માટે ગુજરાત સરકાર સાથે કેન્દ્ર સરકાર પણ સ્પેશિયલ પેકેજ બનાવીને વિવિધ યોજના ઘડે છે. આમ છતાં સિંહોના મોતનો સિલસીલો થમવાનું નામ લેતું નથી.
સિંહપ્રેમીઓ કહે છે કે, સિંહોને પૂરતા પોષણ અને રોગો સામે રક્ષણ માટે કોઈ પણ તકેદારી તંત્ર દ્વારા લેવામાં આવી રહી હોય તેવું દેખાતું નથી. અકુદરતી રીતે જે સિંહોનાં મોત થયાં છે તેના ગુનેગારો પર પણ સકંજો કસવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હોવાનું જણાય છે.

