ભારત-અમેરિકા વિશ્વ ફલક પર નેતૃત્વ કરવા સક્ષમઃ મોદી

Wednesday 26th February 2020 03:35 EST
 
 

અમદાવાદઃ ભારત અને ખાસ તો ગુજરાતના ઈતિહાસમાં ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૦ની તવારીખ સુવર્ણ અક્ષરે અંકિત થઇ ગઇ છે. મોટેરા સ્ટેડિયમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ અને તેના પરિવારનુ ભાવભીનું સ્વાગત કરતાં કહ્યું હતું કે, તમારું સ્વાગત ગુજરાતની ધરતી પર થાય છે, પરંતુ, તેમાં સમગ્ર ભારતનું જોશ સમાયેલું છે.
વડા પ્રધાને સરદાર પટેલની પ્રતિમાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે અમેરિકાને સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીનું તો, ભારતને સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું ગર્વ છે. બંને દેશોમાં રહેલી વિવિધતા જ તેના મજબૂત સંબંધનો આધાર છે. ૨૧મી સદીમાં અમેરિકા-ભારત વિશ્વસ્તરે સંયુક્ત રીતે નેતૃત્વ કરવા સક્ષમ છે. જે વિશ્વની દિશા નક્કી કરવામાં મહત્ત્વનો ભાગ ભજવશે. બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો મજબૂત થવાથી અર્થતંત્ર મજબૂત થશે.
સમગ્ર વાતાવરણ ભારતની વિવિધતાથી રંગાયેલું છે. સાબરમતી નદીનો આ કિનારો ભારતની આઝાદીમાં મોટું યોગદાન ધરાવે છે, જ્યાં તમારું સ્વાગત છે. આ એ જ ભૂમિ છે, જ્યાં વિશ્વની ૫૦૦૦ વર્ષ જૂની સભ્યતા રહેલી છે. ભારત એ અનેક ભાષાઓ, પરિધાન, ખાનપાન અને સમુદાયોનો દેશ છે. અમેરિકા એ લેન્ડ ઓફ ફ્રી છે, જ્યારે ભારત એ સમગ્ર વિશ્વને પરિવાર માને છે. બંને દેશ એકબીજાના પડકાર અને તકની આપ-લે કરે છે.

‘નમસ્તે’ આત્મસન્માનને નમન

મોદીએ કહ્યું હતું કે ‘નમસ્તે’ એ સંસ્કૃત ભાષાનો શબ્દ છે. જેનો અર્થ એ છે કે, આપણે કોઈ વ્યક્તિની અંદરના આત્મસન્માનને નમન કરીએ છીએ. ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, સ્વામી વિવેકાનંદ અને સરદાર પટેલને યાદ કર્યા છે. ભારતની પ્રશંસા કરીને તેમણે ભારત સહિત અમેરિકામાં વસતા ૪૦ લાખ ભારતીયોનું સન્માન કર્યું છે. ભારત-અમેરિકા વચ્ચેનો આ વિશ્વાસ ઐતિહાસિક રીતે નવી ઊંચાઈ પર પહોંચ્યો છે. વર્તમાન સમયમાં ન્યુ ઈન્ડિયાના યુવાનો, વિશ્વ સ્તરે નવા લક્ષ સાથે આગળ વધે છે.


comments powered by Disqus