ભારત દેશ વૈવિધ્યસભર સંસ્કૃતિનો મેળાવડોઃ ટ્રમ્પ

Wednesday 26th February 2020 03:31 EST
 
 

અમદાવાદઃ પ્રમુખ ટ્રમ્પને વડા પ્રધાન મોદીએ ભાષણ માટે આમંત્રણ આપ્યું એ વખતે મોટેરામાં ઉપસ્થિત જનમેદનીએ ટ્રમ્પને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું. ટ્રમ્પે નમસ્તે બોલીને ભાષણની શરૂઆત કરી હતી: ‘નમસ્તે! નમસ્તે! ભારતનું નિમંત્રણ મળ્યું તે ખૂબ સૌભાગ્યની વાત છે. હું એ માટે ભારતના અસાધારણ નેતા ભારતને શેપ આપી રહેલા નરેન્દ્ર મોદીનો આભાર માનું છું, દેશ માટે રાત-દિવસ મહેનત કરી રહેલાં નેતા પ્રાઈમ મિનિસ્ટર મોદીને હું મારા ટ્રૂ ફ્રેન્ડ માનું છું.’ ટ્રમ્પના આ શબ્દો પછી મેદાનમાં મોદી-મોદીની ગૂંજ ઉઠી હતી. ખુદ મોદીએ ‘થેન્ક્યુ’ બોલીને ટ્રમ્પ પ્રત્યે આભાર પ્રગટ કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન મોદીનું જીવન આ દેશ માટે મહત્ત્વનું છે, તેમણે તેમના પિતા તરફથી એક ચા-વાળા તરીકે જીવન શરૂ કર્યું હતું. તેઓ યુવાનવયે આ શહેરની એક રેસ્ટોરાંમાં કામ કરતા હતા. બધા એમને પ્રેમ કરે છે, પણ હું તમને કહીશ કે તેઓ બહુ જ ટફ છે. આજે વડા પ્રધાન મોદી ભારતના બહુ સફળ નેતા છે.

અમેરિકા ભારતનું સન્માન કરે છે...

ટ્રમ્પે ભાષણમાં આગળ કહ્યું હતું: ‘ફર્સ્ટ લેડી અને હું ૮ હજાર માઈલની જર્ની કરીને ભારતમાં એક મેસેજ આપવા આવ્યાં છીએ કે અમેરિકા ભારતને ખૂબ પ્રેમ કરે છે. અમેરિકા ભારતને અતિશય રિસ્પેક્ટ આપે છે. ભારત અમેરિકાનું હંમેશા વફાદાર અને વિશ્વાસપાત્ર મિત્ર છે. મેં આપના વડા પ્રધાનનું અમેરિકાના ફૂટબોલ મેદાનમાં સ્વાગત કર્યું હતું, આજે વડા પ્રધાન મોદીએ મારું સ્વાગત વિશ્વના સૌથી વિશાળ ક્રિકેટ સ્ટેડિયમમાં કર્યું છે. આ ભવ્ય દેશમાં આવું શાનદાર સ્વાગત કરવા માટે આપનો આભાર! મારો પરિવાર આ યાદગાર મુલાકાતને ક્યારેય ભૂલી નહીં શકે. અમે આ શાનદાર સ્વાગતને હંમેશા યાદ રાખીશું. ભારત અમારા માટે સ્પેશિયલ રહેશે.’

ભારત દેશ વૈવિધ્યસભર સંસ્કૃતિનો મેળાવડો

‘ભારત લોકતાંત્રિક જાદુ છે. વૈવિધ્યસભર સંસ્કૃતિઓનો મેળાવડો છે અને છતાં એકતાના દર્શન થાય છે. ભારતે એકથી એક બુદ્ધિશાળી લોકોની દુનિયાને ભેટ આપી છે. ૭૦ વર્ષ પહેલાં આઝાદ થયેલું ભારત આજે દુનિયાનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બન્યું છે. આજે ભારત દુનિયાનું સૌથી અદ્ભૂત રાષ્ટ્ર છે.

ટ્રમ્પે સરકારી યોજનાઓની સિદ્ધિ વર્ણવી

‘મોદીના નેતૃત્વમાં ભારતના ગામડે ગામડે વીજળી પહોંચી છે. દેશમાં ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા સતત વધી રહી છે. સાત કરોડ વંચિત પરિવારોને ગેસ કનેક્શન મળ્યું, મોદીના કાર્યકાળમાં છ કરોડ લોકોને બેઝિક સેનિટેશન સુવિધા અપાઇ. ગરીબી રેખાની નીચેથી અસંખ્ય લોકો બહાર નીકળ્યા. ભારત સૌથી મોટો મિડલ ક્લાસ ધરાવતો દેશ છે, જેમની સંપત્તિમાં પણ વધારો થયો છે. ભારતનો ઉદય ખૂબ જ ઝડપી થઈ રહ્યો છે. ભારતે શાંતિપ્રિય દેશ તરીકે આ બધું જ હાંસલ કર્યું છે. ભારતે મહેનત કરીને આટલા વર્ષોમાં કેટલાંય સપનાઓ સાકાર કર્યા. ભારતે એમનાં લોકો ઉપર વિશ્વાસ બતાવ્યો, ભારતે એમનાં લોકોનો ઉત્સાહ વધાર્યો અને એ રીતે આ બધું જ મેળવ્યું. એટલે જ ભારત અને અમેરિકા કુદરતી રીતે જ ગાઢ મિત્રો છે અને રહેશે.’

આતંકવાદનો અંત આણવા પ્રતિબદ્ધ

ઇસ્લામિક આતંકવાદ અને ISISના ઉચ્ચારણ સાથે જ ટ્રમ્પને તાળીઓ અને હર્ષની ચિચિયારીઓથી વધાવી લેવાયા હતા. પ્રમુખ ટ્રમ્પે જણાવ્યું હતું કે, ભારત અને અમેરિકા બંને દેશો ઇસ્લામિક આતંકવાદની વિરુદ્ધમાં છે અને વખોડે છે. આઇસીસનો અમે ૧૦૦ ટકા ખાત્મો બોલાવી દીધો છે અને આ સંગઠનના સ્થાપક-નેતા એવા લોહી તરસ્યા અલ-બગદાદીને મારી નંખાયો છે. દરેક દેશને આતંકવાદ નાબૂદ કરવાનો હક્ક છે, એમ ભારત જે રીતે આતંકવાદનો સફાયો કરી રહ્યું છે, તેમ પાકિસ્તાન પણ આતંકવાદની નેસ્તનાબૂદી માટે પગલાં લઈ રહ્યું છે, જે આવકારદાયક છે. ભારત અને અમેરિકા આતંકવાદનો ખાત્મો કરવા માટે પ્રતિબદ્ધ છે.

બોલિવૂડ અને ક્રિકેટરોને યાદ કર્યા

ટ્રમ્પે હિન્દી ફિલ્મો અને સંસ્કૃતિને યાદ કરતા ભાષણમાં કહ્યું: આ એવો દેશ છે જ્યાં વર્ષે ૨૦૦૦ જેટલી ફિલ્મો બને છે. ક્રિએટિવ અને જીનિયસ લોકો બોલીવૂડમાં કામ કરે છે. દુનિયાભરના લોકો ભાંગડા, મ્યુઝિક ડાન્સ બોલીવૂડની ફિલ્મોમાં જોવાનું પસંદ કરે છે. ભારતની ક્લાસિકલ ફિલ્મો જેવી કે ડીડીએલજે અને શોલે દુનિયાભરના લોકોને બેહદ પસંદ પડે છે. આ દેશમાં સચિન તેંડુલકર અને વિરાટ કોહલી જેવા મહાન ક્રિકેટરો છે.

મહાત્મા ગાંધી અને સરદાર પટેલને યાદ કર્યા

ટ્રમ્પે કહ્યું હતું કે આ એ દેશ છે જ્યાં વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા બની છે. આ સ્ટેડિયમ પણ જેમના નામે છે એ સરદાર પટેલ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના બહુ જ મોટા નેતા હતા. એ જ રીતે તેમણે મહાત્મા ગાંધીજીનો પણ ઉલ્લેખ કર્યો હતો. ટ્રમ્પે કહ્યું હતું: ‘ફર્સ્ટ લેડી અને હું એવી ભૂમિની મુલાકાતે આવ્યાં છીએ તેનું અમને ગૌરવ છે કે જ્યાંથી મહાત્મા ગાંધીએ ઐતિહાસિક દાંડી માર્ચ કરી હતી.’

ભારતમાં વ્યક્તિ સ્વાતંત્ર્યનું મહત્વ છે

ભારતમાં વ્યક્તિ સ્વાતંત્ર્યનું મૂલ્ય સ્વીકારવામાં આવે છે. કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય છે અને દરેક માણસના આત્મગૌરવનું રક્ષણ થાય છે. હિન્દુ-મુસ્લિમ-શીખ-જૈન-બૌદ્ધ-ખ્રિસ્તી બધા સાથે મળીને રહે છે અને એક-બીજાના સાથ-સહકારથી પોત-પોતાની સંસ્કૃતિનું રક્ષણ કરી રહ્યા છે. ભારતના બે ડઝન કરતા વધારે રાજ્યોમાં ૧૦૦ જેટલી ભાષા-બોલીઓ બોલાય છે અને છતાં આ વિવિધતામાં એકતા રહેલી છે. આ એકતા દુનિયા માટે ખરેખર પ્રેરણા બને છે.


comments powered by Disqus