મોટેરા મિત્રોઃ ટ્રમ્પ-મોદી એકમેક પર ઓળઘોળ

દુનિયાની સૌથી જૂની લોકશાહી અને દુનિયાની સૌથી મોટી લોકશાહીનું ઐતિહાસિક મિલન...

Wednesday 26th February 2020 03:28 EST
 
 

અમદાવાદઃ વિશ્વની મહાસત્તા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે અમદાવાદની મુલાકાત દરમિયાન દુનિયાના સૌથી મોટા લોકશાહી દેશ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અનેક વાર ભેટીને બંને દેશોની ગાઢ દોસ્તીના જગતને દર્શન કરાવ્યાં હતાં. એટલું જ નહીં, આ બંને નેતાઓએ ‘નમસ્તે ટ્રમ્પ’ના મંચ ઉપરથી એકબીજાનાં ભરપેટ વખાણ કર્યાં હતાં.
ટ્રમ્પ તેમના પત્ની મેલેનિયા, દીકરી ઇવાન્કા તથા જમાઇ જેરેડ કુશ્ચનર ઉપરાંત અમેરિકી ઉચ્ચ અધિકારીઓના કાફ્લાના વિમાનો આશરે ૧૧:૫૦ વાગે અમદાવાદ એરપોર્ટ ઉપર લેન્ડ થયા હતા. અહીં વડા પ્રધાન મોદી ઉપરાંત જ્યાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, ગવર્નર દેવવ્રત આચાર્ય સહિતના મહાનુભાવોએ ઉમળકાભેર તેમનું સ્વાગત કર્યું હતું.
એરપોર્ટ પર લશ્કરની ત્રણે પાંખના જવાનોની ખાસ ‘ટ્રાય-સર્વિસ લાઇન-અપ’ દ્વારા વેલકમ પરેડ ઉપરાંત લોકનૃત્યો દ્વારા પ્રમુખ ટ્રમ્પનું શાનદાર અભિવાદન થયું હતું. આ પછી રોડ-શો યોજાયો હતો અને કાફલો સાબરમતી આશ્રમ પહોંચ્યો હતો. કાફ્લો ફરી એ જ રૂટ ઉપર ઇંદિરા બ્રિજ થઈને મોટેરા સ્ટેડિયમ આવ્યો હતો. નમસ્તે ટ્રમ્પ ઇવેન્ટ ૧:૩૭ વાગે શરૂ થઈ હતી અને આયોજન કરતાં ઘણી વહેલી ૨:૩૦ વાગે પૂર્ણ થઈ હતી, જેમાં મુખ્ય સ્ટેજ ઉપર માત્ર ત્રણ મહાનુભાવો - ટ્રમ્પ, મેલાનિયા અને મોદી જ રહ્યાં હતાં.
પ્રારંભે મોદીએ ૧૮ મિનિટની આવકાર સ્પીચમાં ૧૩૦ કરોડ ભારતીયો વતી ટ્રમ્પ અને તેમના પરિવારના વખાણ કરતાં તેમણે સત્કાર્યા હતા. બાદમાં ૨૫ મિનિટના ભાષણમાં ટ્રમ્પે વડા પ્રધાન મોદીના નેતૃત્વના તથા વૈવિધ્ય ધરાવતા ભારતની એકતાની ભરપૂર પ્રશંસા કરી હતી અને અંતે મોદીએ ૧૦ મિનિટનું આભાર પ્રવચન કર્યું હતું.
ઇવેન્ટ પૂર્ણ કરી ટ્રમ્પ અને તેમનો કાફ્લો તરત જ એરપોર્ટ ઉપર પહોંચ્યો હતો, અને તેઓ આગ્રા જવા રવાના થઇ ગયા હતા. યુએસ પ્રેસિડેન્ટ આમ તો ૩.૩૦ વાગ્યા સુધી અમદાવાદ રોકાણ કરવાના હતા, પણ એમણે ૩:૦૫ વાગે વિદાય લીધી હતી.


comments powered by Disqus