મોરબીઃ મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલી દેના બેંક અને બેંક ઓફ બરોડાની સંયુક્ત શાખામાં ૨૦મી ફેબ્રુઆરીએ બપોરે ૨-૪૫ વાગ્યે છ જેટલા ધાડપાડુઓએ બંદૂકની અણીએ કેશિયર પાસેથી બીઓબીના કેશયર પાસેથી રૂ. ૪.૪૫ લાખ, દેના બેંકના કેશિયર પાસેથી રૂ. ૧.૫૭ લાખ અને એક ગ્રાહક પાસેથી રૂ. ૬૫૦૦ રોકડ તેમજ અન્ય ચાર ગ્રાહકોના મોબાઇલ મળીને રૂ. ૬.૪૪ લાખની લૂંટ ચલાવી હતી.
બીઓબીના જોઇન્ટ મેનેજર મુરારિકુમાર ભૂવનેશ્વર શર્માની ફરિયાદના આધારે પોલીસ ફરિયાદ બાદ ધાડપાડુઓને શોધવા સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરાઈ હતી. આડા-અવળા રસ્તેથી આરોપીઓ નાસી ન જાય તે માટે ગ્રામજનોએ પણ પોલીસની મદદ કરતાં રસ્તામાં ગાડા અને ટ્રેક્ટર રાખીને રસ્તાઓ બંધ કરી દીધા હતા. ચૂપણી ગામે પણ ૧ હજાર જેટલા ગ્રામજનોએ એકત્રિત થઇને આરોપીઓને શોધવામાં પોલીસની મદદ કરી હતી. પોલીસ અને પ્રજાના સાહસથી ચૂપણીનાં ખેતરમાં ઉભા મોલમાં છુપાઇ ગયેલા ૬ પૈકી ૪ લૂંટારુને ઝડપી લીધા હતા. લૂંટારાઓ પાસેથી બે પિસ્ટલ, એક બંદૂક અને ૫૦ જેટલા જીવતા કારતૂસ ઉપરાંત લૂંટની તમામ રકમ કબજે કરાઈ હતી.

