પાદરાના રણુ- મહુવડ માર્ગ પર અકસ્માતઃ ૧૨નાં મોત

Wednesday 26th February 2020 04:06 EST
 
 

વડોદરાઃ પાદરા તાલુકાના રણુ-મહુવડ રોડ ૨૨મી ફેબ્રુઆરીએ સાંજે ડમ્પર અને આઇશર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાર વ્યક્તિઓનાં મોત નીપજ્યાં હતાં. આ ઘટનામાં ૧૫ વ્યક્તિને નાની મોટી ઇજા થઈ હતી. અકસ્માતના સમાચાર મળતાં જ તાત્કાલિક મેડિકલ સેવા ૧૦૮ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
રણુમાં રહેતા ઇકબાલભાઇ અબ્બાસભાઇ ચૌહાણની ભાણી સાવલીના ગોઠડામાં રહે છે. તેને ત્યાં લગ્ન હોવાથી રણુ, વડુ, વડોદરા અને ભોજના સગા સબંધીઓ મળીને પરિવારના ૩૦થી ૪૦ સભ્યો લગ્નનું મોસાળું લઇને ગોઠડા ગયા હતા. બે આઇસર ટેમ્પામાં ગયેલા આ લોકો પ્રસંગ પૂરો થયે પરત ફરી રહ્યા હતા. એ સમયે રણુ અને મહુવડ વચ્ચે કેનાલ પાસે એક આઇસરનો માટી ભરેલા ડમ્પરની સાથે અથડાતાં ભયંકર અકસ્માત થયો હતો. અકસ્માતની જાણ થતાં જ ઘટના સ્થળે સ્થાનિક રહીશોનાં ટોળેટોળા સ્થળે ધસી ગયા હતા. તેઓએ વાહનોમાંથી ફંગોળાયેલા ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં મોકલવા માંડ્યા હતા. આ અકસ્માતમાં ઘટના સ્થળે જ છ વ્યક્તિઓનાં મોત નીપજ્યા હતા. એ તમામ મૃતદેહને વડુ પ્રાથમિક સારવાર આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા હતા. ઇજાગ્રસ્તોને પ્રથમ પ્રાથમિક સારવાર માટે પાદરા તથા વડુ સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં સારવાર શરૂ થાય તે પહેલાં જ છ જેટલા ઇજાગ્રસ્તોનાં મૃત્યુ થયા હતાં. તમામ ઇજાગ્રસ્તોને વડોદરા સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
મૃતકોની યાદી
• મોહસીનભાઇ રમજાનખાન પઠાણ (ઉ. ૩૫, વડોદરા) • રૂક્સાનાબહેન મોહસીનભાઇ પઠાણ (ઉ. ૩૫, વડોદરા) • જાયેદાબહેન શબ્બીરભાઇ મલેક (ઉ. ૪૮, રણુ) • સુભાનબહેન સજાદભાઇ સિંધા (ઉ. ૩૨, રણુ) • માહેનુરબહેન ફિરોજભાઇ ચૌહાણ (ઉ. ૦૮, ભોજ) • નસરીનબહેન ફિરોજભાઇ ચૌહાણ (ઉ. ૩૨,ભોજ) • સલીમભાઇ રજાકભાઇ શેખ (ઉ. ૫૫, સુરત) • અફસાના ઇસ્માઇલભાઇ ચૌહાણ (ઉ. ૧૭, રણુ) • સોફિયા અમરસીંગ સિંધા (ઉ. ૧૬, રણુ) • સમીમબહેન હનિફભાઇ ચૌહાણ (ઉ. ૩૫, રણુ) • મહેક ફિરોજભાઇ ચૌહાણ (ઉ. ૪, ભોજ) • શહેનાઝ હિતેષભાઇ સોલંકી (ઉ. ૩૮, વડુ)


comments powered by Disqus