જૂનાગઢઃ ભવનાથ ક્ષેત્રમાં શિવરાત્રીએ પાંચ દિવસીય મેળો સંપન્ન પૂર્ણ થયો હતો. ૧૭મી ફેબ્રુઆરી મહાવદ નોમના દિવસથી જૂનાગઢમાં શરૂ થયેલા શિવરાત્રીના પાંચ દિવસીય મેળાનો ભવનાથ મહાદેવને ધ્વજારોહણ સાથે પ્રારંભ થયો હતો. મેળામાં લાખો ભાવિકો ઉમટી પડ્યા હતા. શિવરાત્રીએ સાધુ - સંતો અને ભક્તોની ભીડ વચ્ચે નીકળેસી રવેડી બાદ મૃગીકુંડમાં શાહીસ્નાન સાથે પાંચ દિવસીય મેળો પૂર્ણ થયો હતો.
મેળો પૂર્ણ થયા બાદ તળેટીથી જૂનાગઢ શહેર તરફ લોકોનો પ્રવાહ અવિરત વહેતો રહ્યો હતો. મેળામાં આવેલા યાત્રિકોના લીધે શનિવારે પણ બસ સ્ટેન્ડ તથા રેલવે સ્ટેશને દિવસભર યાત્રિકોની ભીડ રહી હતી અને મજેવડી દરવાજે ટ્રાફિક રહ્યો હતો.
૧૧૦ ટન કચરો નીકળ્યો
મેળાના પાંચ દિવસમાં ભવનાથ તળેટી વિસ્તારમાં આશરે ૧૧૦ ટન જેટલા કચરો થયો હતો જેનો નિકાલ કરાયો હતો.
એસટીને રૂ. ૩૫ લાખથી વધુની આવક
મહાશિવરાત્રીના મેળા માટે એસ.ટી. તંત્ર દ્વારા વિશેષ શરૂ કરાઈ હતી. જેમાં ૧૫૦૦ ટ્રીપ દ્વારા ૧.૫૦ લાખથી વધુ મુસાફરોએ એસટી મુસાફરી કરી હતી. જેના દ્વારા એસટીને રૂ. ૩૫ લાખથી વધુની આવક થઈ હતી.
ગિરનારની યાત્રા
મેળો પૂર્ણ કર્યા બાદ અનેક યાત્રિકોએ ગિરનારની યાત્રા કરી અંબાજી માતાજીના તથા દત્તાત્રેય શિખરનાં દર્શન કર્યાં હતાં. અનેક યાત્રિકોએ જૂનાગઢના જોવા લાયક સ્થળોની મુલાકાત લીધી હતી.
સોનાપુરથી ભવનાથ માર્ગનું નામકરણ
સોનાપુરની ભવનાથ સુધીના માર્ગનું ભજનિક પ્રાણલાલ વ્યાસ માર્ગ નામ રાખવામાં આવ્યું છે. ૨૦મી ફેબ્રુઆરીએ મોરારિબાપુના હસ્તે આ માર્ગનું નામકરણ કરવામાં આવ્યું હતું. આ દિવસે મેળામાં ભારે ભીડના લીધે રાત્રે વાહનોને પ્રવેશબંધી કરાઇ હતી. તો લોકો ગિરનાર દરવાજા, ભરડાવાવથી પાંચ કિમી સુધી ચાલીને પણ તળેટી સુધી પહોંચ્યા હતા અને મેળાની મજા માણી હતી.

