લખનઉઃ ઉત્તર પ્રદેશ સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ રાજ્ય સરકાર દ્વારા અયોધ્યા નજીક ફાળવાયેલી પાંચ એકર જમીન સ્વીકાર લેવાનો નિર્ણય કર્યો છે. સોમવારે સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડની બેઠકમાં સર્વસંમતિથી આ જમીનનો સ્વીકાર થયો હતો. બોર્ડની બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે એક ટ્રસ્ટ બનાવીને આ જમીન પર મસ્જિદ, હોસ્પિટલ, લાઇબ્રેરી બનાવાશે.
બેઠક બાદ બોર્ડના ચેરમેન ઝફર ફારૂકીએ જણાવ્યું કે, મસ્જિદના બાંધકામ માટે બોર્ડ ટૂંક સમયમાં એક ટ્રસ્ટનું નિર્માણ કરશે. મસ્જિદને બાબરી મસ્જિદ નામ અપાશે કે કેમ? તે અંગેનો નિર્ણય ટ્રસ્ટ દ્વારા પછીથી કરાશે. તેવું તેમણે જણાવ્યું હતું.
બોર્ડને તેની સાથે કોઈ લેવાદેવા નથી. મસ્જિદની ઉપરાંત તે જમીન પર ઇન્ડો-ઇસ્લામિક રિચર્સ સેન્ટર પણ બનશે. કેન્દ્ર સરકારે રામ મંદિરનાં નિર્માણ માટે ટ્રસ્ટને મંજૂરી આપ્યા પછી યોગી આદિત્યનાથ સરકારે સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે અયોધ્યાથી ૨૨ કિલોમીટર દૂર રોનાહીમાં સુન્ની વક્ફ બોર્ડને પાંચ એકર જમીન આપવાની જાહેરાત કરી હતી.

