હરિયાણાનું મરોરા ગામ ટ્રમ્પ વિલેજ તરીકે ઓળખાય છે

Wednesday 26th February 2020 05:21 EST
 
 

ચંડીગઢઃ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભલે પહેલી વખત ભારત પ્રવાસે પહોંચ્યા હોય, પરંતુ તેમના નામનું એક ગામ હરિયાણામાં છે. હરિયાણાના મેવાત વિસ્તારના મરોરા ગામનું નામ અમેરિકી પ્રમુખના નામ સાથે જોડાયું છે. મરોરા છેલ્લા ત્રણ વર્ષથી ટ્રમ્પ વિલેજ તરીકે ઓળખાય છે. ૧૯૭૮માં અમેરિકાના પૂર્વ પ્રમુખ જીમી કાર્ટર ભારત પ્રવાસે આવ્યા હતા ત્યારે તેમણે દિલ્હી પાસેના દૌલતપુર ગામની મુલાકાત લીધી હતી. આ મુલાકાતની યાદમાં દૌલતપુરને કાર્ટર પુરી અપાયું હતું. જોકે મરોરા ગામની મુલાકાતે તો કોઈ અમેરિકી પ્રમુખ કે રાજદૂત ન આવ્યા હોવા છતાં ગામને ટ્રમ્પ વિલેજ નામ
મળ્યું છે.
મરોરા ગામના નવા નામકરણ માટે ૨૩ જૂન ૨૦૧૭ના રોજ કાર્યક્રમ યોજાયો હતો. એ સમયે ગામના ખૂણે ખૂણે ટ્રમ્પ નામના બેનર લગાવવામાં આવ્યા હતા. ગામમાં ટ્રમ્પના સ્માઈલિંગ ફેસવાળા એક વિશાળ પોસ્ટર પાસે લોકો ઊભા રહીને ફોટા પડાવતા હતા. મરોરા ગામને મળેલું નવું નામ ભલે સરકારી દફ્તરે નોંધાયું ન હોય, પરંતુ ટ્રમ્પ વિલેજ નામ મળવાથી ગામને સતાવતી વીજળી - પાણી - રસ્તા સહિતની સમસ્યાઓ તરફ સૌનું ધ્યાન ખેંચાયું હતું.
આ ગામનું નામ ટ્રમ્પના નામ પરથી કેવી રીતે પડ્યું તે જાણવું રસપ્રદ છે. ટોઈલેટ અને સ્વચ્છતા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરતી એજન્સીએ ગામના ૧૦૦ ટકા ઘરોમાં ટોઈલેટ બાંધવાની કામગીરી કરી હતી. આ એજન્સીએ ટોઈલેટ અને સ્વચ્છતા ક્ષેત્રે ગામમાં થયેલી કામગીરી પર લોકોનું ધ્યાન ખેંચાય તે માટે મરોરા ગામનું નામ ટ્રમ્પ વિલેજ રાખ્યું હતું. આ ઉપરાંત ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા તથા ગામલોકોને ગ્લોબલ કમ્યુનિટી સાથે જોડવા માટે પણ એજન્સીને આ નામ પસંદ કર્યું હતું.
પહેલાં તો આ અંતરિયાળ ગામના મોટા ભાગના લોકોને એ જ ખબર નહોતી કે ટ્રમ્પ કોણ છે, પરંતુ હવે નાના બાળકથી માંડીને વૃદ્ધો પણ ટ્રમ્પનું નામ જાણતા થઈ ગયા છે. ૪૦૦ પરિવારની વસ્તી ધરાવતા આ ગામની ૮૦ ટકા વસ્તી મુસ્લિમ છે, જેમણે ટ્રમ્પ વિલેજ નામ સ્વીકારી લીધું છે. સ્થાનિક સ્તરે વધુને વધુ લોકો હજુ પણ મરોરાને ટ્રમ્પ વિલેજ તરીકે સંબોધે છે.


comments powered by Disqus